ચાડવા રખાલમાં મગરે લગાવી અણધારી દોડ; વૈજ્ઞાનિક જગતમાં નવો ઇતિહાસ રચાયો
ભુજ: વન્યજીવ વિજ્ઞાન જગતમાં રણપ્રદેશ કચ્છના એક મગરે અણધાર્યો અને રોમાંચક રેકોર્ડ નોંધાવ્યો છે. વર્ષ 2021ની મગર ગણતરી દરમિયાન કેમેરામાં કેદ થયેલી મગરની એક દુર્લભ અને અત્યંત ઝડપી દોડ તાજેતરમાં બ્રિટિશ હર્પેટોલોજિકલ સોસાયટી દ્વારા પ્રકાશિત થતા ત્રિમાસિક, પીઅર-રિવ્યુડ જર્નલ 'ધ હર્પેટોલોજિકલ બુલેટિન'ની સમર એડિશનમાં સ્થાન પામી છે. મુક્ત વાતાવરણમાં વિહરતા કોઈ પુખ્ત મગર દ્વારા આ પ્રકારે ઘોડાની જેમ ચાર પગે કૂદકા મારીને દોડ મારવામાં આવી હોય તેવો આ વિશ્વનો સૌપ્રથમ દસ્તાવેજી પુરાવો છે.
આ સંશોધન પત્ર વલસાડના બ્રિન્કી દેસાઈ (મુખ્ય વૈજ્ઞાનિક, માહિમ પાંધી વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશન) અને ભુજના વન્યજીવ સંરક્ષક તેમજ સંસ્થાના ડાયરેક્ટર દક્ષ પાંધી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2021માં કચ્છના ચાડવા રખાલ નજીક સરવે દરમિયાન ડ્રોનના અવાજથી ચમકેલો આશરે 2.5 મીટર લાંબો એક પુખ્ત મગર જમીન પરથી અત્યંત વેગ સાથે દોડીને પાણીમાં સરકી ગયો હતો, જે સમગ્ર દ્રશ્ય દક્ષ પાંધીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું.
સામાન્ય રીતે મગરને સારા તરણવીર અથવા જમીન પર ધીમી ગતિએ ચાલનારા જીવ માનવામાં આવે છે, પરંતુ આ ઘટનાએ લોકમાનસની એ ધારણાને સંપૂર્ણપણે બદલી નાખી છે. વૈજ્ઞાનિકોના મતે આ પ્રકારનું ગેલોપિંગ એટલે કે અશ્વની જેમ દોડવું અગાઉ ઓસ્ટ્રેલિયન ફ્રેશવોટર, સોલ્ટવોટર, નાઇલ, ફિલિપાઇન્સ અને ક્યુબન મગરોની પ્રજાતિઓમાં જેમાં ખાસ કરીને નાની ઉંમરના મગરોમાં જોવા મળ્યું છે. જોકે, 'ક્રોકોડાયલસ પાલુસ્ટ્રિસ' (મગર પ્રજાતિ)માં આ પ્રકારની ક્ષમતા માત્ર પાંજરામાં અથવા કાલ્પનિક કિસ્સાઓ પૂરતી જ મર્યાદિત મનાતી હતી. વન્ય અવસ્થામાં રહેતા પુખ્ત મગરે આવું પરાક્રમ કર્યું હોય તેવો આ પ્રથમ અધિકૃત વૈજ્ઞાનિક પુરાવો છે.
આ મહત્વપૂર્ણ શોધ બદલ કચ્છ સ્થિત નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન 'માહિમ પાંધી વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશન' અને તેમની 'ડેઝર્ટક્રોક્સ' પહેલ પ્રશંસાને પાત્ર બની છે, જે કચ્છના શુષ્ક વાતાવરણમાં વસતા મગરો અને માનવ-મગરના અદભુત સહઅસ્તિત્વ પર સંશોધન કરે છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2021માં ગુજરાત વન વિભાગના સહયોગથી હાથ ધરાયેલી ગણતરીમાં કચ્છના 113 સ્થળોએથી પ્રત્યક્ષ રીતે 408 મગરો મળી આવ્યા હતા, જ્યારે સમગ્ર જિલ્લામાં તેમની વસ્તી આશરે 1,000 જેટલી હોવાનો અંદાજ છે. કચ્છના દુર્ગમ વિસ્તારો અને વિશાળ જળાશયોને કારણે આ સરવેમાં ડ્રોન ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઈ હતી, જેના કારણે જ આજે આ વૈજ્ઞાનિક ઇતિહાસ રચી શકાયો છે.
ઉત્સવ વૈદ્ય