કોલંબોઃ ઍન્ડી ફ્લાવર, ગ્રાન્ટ ફ્લાવર, હીથ સ્ટ્રીક, હેન્રી ઑલોન્ગા વગેરે ભૂતપૂર્વ ખેલાડીઓને કારણે ક્રિકેટ જગતમાં ઝિમ્બાબ્વેથી સૌકોઈ પરિચિત છે અને થોડા વર્ષો સુધી અજ્ઞાતવાસમાં રહ્યા બાદ આ દેશ ક્રિકેટના ફલક પર ફરી ગાજવા લાગ્યો છે જેમાં આ મહિને એણે ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાને ટી-20 વર્લ્ડ કપમાં હરાવી દેતાં ઝિમ્બાબ્વેના સહાયક કોચ ડિઓન ઇબ્રાહિમે ભરપૂર આત્મવિશ્વાસ બતાવ્યો છે.
ઇબ્રાહિમે (IBRAHIM) કહ્યું છે કે તેમની ટીમે લીગ રાઉન્ડમાં બે અપસેટ સર્જ્યા એમ છતાં તો તેમની ટીમને હજી પણ અન્ડરડૉગ માનવામાં આવતી હોય તો એ સામે તેમને કોઈ વાંધો નથી.
ઝિમ્બાબ્વે (ZIMBABWE)એ ગ્રૂપ-બીમાં અપરાજિત રહીને સુપર-એઇટમાં પહોંચનાર ઝિમ્બાબ્વેએ 13મી ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયાને 23 રનથી અને 19મી ફેબ્રુઆરીએ શ્રીલંકાને છ વિકેટે હરાવી દીધું હતું. જેમ 2024ના વર્લ્ડ કપમાં અમેરિકા સામેની હાર પાકિસ્તાનને સૌથી વધુ ભારે પડી હતી એમ આ વખતે ઘમંડી મિચલ માર્શના નેતૃત્વમાં રમનાર ઑસ્ટ્રેલિયાની ટીમે ઝિમ્બાબ્વેની હારને લીધે જ આ વર્લ્ડ કપમાંથી વહેલી વિદાય લેવી પડી છે. આ શાનદાર પ્રદર્શન બાદ હવે ઝિમ્બાબ્વેના કોચ ઇબ્રાહિમ તેમ જ કૅપ્ટન સિકંદર રઝા અને તેના સાથી ખેલાડીઓનો જુસ્સો બુલંદ થયો છે.
હવે સુપર-એઇટમાં ઝિમ્બાબ્વેનો પહેલાં વેસ્ટ ઇન્ડિઝ સામે, ત્યાર બાદ ભારત સામે અને છેલ્લે સાઉથ આફ્રિકા સાથે ટક્કર છે. ઇબ્રાહિમ કહે છે, ` રૅન્કિંગને આધારે અમને અન્ડરડૉગ (છુપા રુસ્તમ) કહેવામાં આવી રહ્યા છે. અમને એ સામે કોઈ વાંધો નથી. અમને આવી છાપ સાથે જ રમવું ગમે છે. અમારી ટીમે હવે ત્રણેય મોટા દેશ સામે રમવાનું હોવાથી પાક્કી તૈયારી કરી લીધી છે.
અમારા ખેલાડીઓ જરા પણ ગભરાયા વગર રમે એ જરૂરી છે. અમારી ટીમના કૅપ્ટન સિકંદર રઝાએ થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે અન્ડરડૉગ (UNDERDOG) હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અમારા ખેલાડીઓ કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વિના અને અપેક્ષાના બોજ વગર રમી રહ્યા છે.
ખાસ કરીને ભારત સામેની મૅચ દરમ્યાન અમારા ખેલાડીઓએ ભારતીય ટીમના હજારો ફૅન્સના પ્રચંડ પ્રેશરનો સામનો કરવો પડશે એટલે એ પડકાર સારી રીતે ઝીલવો પડશે. આ ફૉર્મેટમાં અમારા પ્લેયર્સ પોતાના પર્ફોર્મન્સમાં ધીમો, પરંતુ જડબેસલાક સુધારો લાવી રહ્યા છે.'