સિકંદર રઝાની ટીમનો અપરાજિત રહીને સુપર-એઇટમાં પ્રવેશઃ બેનેટ અને રઝાએ મજા કરાવી
કોલંબોઃ વર્લ્ડ કપના ગ્રૂપ-બીમાં ગુરુવારે ઝિમ્બાબ્વે (ZIMBABWE)એ શ્રીલંકાને મહા મહેનતે હરાવીને લીગ રાઉન્ડમાં ભારત, સાઉથ આફ્રિકા તથા વેસ્ટ ઇન્ડિઝની જેમ અપરાજિત રહેવાની સિદ્ધિ મેળવી. ઝિમ્બાબ્વેનો ત્રણ બૉલ બાકી રાખીને છ વિકેટે વિજય થયો હતો. ગ્રૂપ-બીમાં ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયા પછી હવે શ્રીલંકાની પડકારરૂપ ટીમને પણ હરાવી દીધી છે. શનિવારે શરૂ થતા સુપર-એઇટ રાઉન્ડમાં ભારતની 26મી ફેબ્રુઆરીની અમદાવાદની મૅચ ઝિમ્બાબ્વે રમાવાની હોવાથી ભારતીય ટીમે હવે પડકારરૂપ બનેલી આ ટીમથી ખૂબ ચેતવું પડશે.
ગુરુવારે શ્રીલંકા (SRI LANKA)એ બૅટિંગ લીધા બાદ સાત વિકેટે 178 રન કર્યા પછી ઝિમ્બાબ્વેએ 19.3 ઓવરમાં 4/182ના સ્કોર સાથે રોમાંચક વિજય મેળવી લીધો હતો. 179 રનના લક્ષ્યાંક સામે ઝિમ્બાબ્વેની 167 રનના સ્કોર પર ફક્ત બે વિકેટ હતી, પણ 19મી ઓવરમાં ત્રણ રનની અંદર બે વિકેટ પડી જતાં શ્રીલંકામાં જીતની આશા જાગી હતી.
જોકે ઓપનર બ્રાયન બેનેટ (63 અણનમ, 48 બૉલ, આઠ ફોર)એ 20મી ઓવરના ત્રીજા બૉલમાં વિજયી ચોગ્ગો ફટકારી દેતાં ઝિમ્બાબ્વેની ટીમે સેલિબે્રશન શરૂ કરી દીધું હતું. મિડલ ઓવર્સમાં શાનદાર ઇનિંગ્સ રમનાર કૅપ્ટન સિકંદર રઝા (45 રન, 26 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. રઝાએ ફટકાબાજી કરીને કોલંબોના સ્ટેડિયમમાં પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. એ પહેલાં, શ્રીલંકાએ આ વર્લ્ડ કપના સેન્ચુરિયન પથુમ નિસાન્કા (62 રન, 41 બૉલ, આઠ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી સાત વિકેટે 178 રન કર્યા હતા. ઝિમ્બાબ્વેના બ્રાડ ઇવાન્સ, બ્લેસિંગ મુઝરબાની અને ગે્રમ ક્રીમરે બે-બે વિકેટ લીધી હતી.
ગ્રૂપ-બીમાંથી શ્રીલંકા અને ઝિમ્બાબ્વે બન્ને ટીમ સુપર-એઇટમાં પહોંચી ગઈ છે. આ એ ગ્રૂપ છે જેમાંથી ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે ત્યારે ઝિમ્બાબ્વેએ સાત પૉઇન્ટ સાથે ગ્રૂપમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. આયરલૅન્ડ અને ઓમાનની પણ ગ્રૂપ-બીમાંથી બાદબાકી થઈ ગઈ છે.