નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને બગાવત વચ્ચે હવે નવો વળાંક આવ્યો છે. પાર્ટીના બળવાખોર સાંસદોમાં પૂર્વ ક્રિકેટર અને બહેરામપુરના TMC સાંસદ યુસુફ પઠાણનું નામ પણ મોખરે ચાલી રહ્યું છે. મહુવા મોઈત્રા પછી TMCના સાંસદ કલ્યાણ બેનર્જીએ એક મોટો દાવો કરતા કહ્યું છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે યુસુફ પઠાણને દિલ્હી બોલાવ્યા હતા અને તેઓ તેમને મળવા પણ ગયા હતા. કલ્યાણ બેનર્જીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે બળવાખોર સાંસદોએ મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી અને ભૂપેન્દ્ર યાદવ સાથે પણ મુલાકાત કરી છે, જે સ્પષ્ટ કરે છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને તેમણે મમતા બેનર્જીના બદલે નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે સ્વીકારી લીધા છે.
એક તરફ યુસુફ પઠાણ બળવાખોર જૂથમાં હોવાની અને NDA ને સમર્થન આપવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે બીજી ગુજરાત હાઇ કોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર કથિત ગેરકાયદે કબજો જમાવવા બદલ પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણની આકરી ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રાયની ડિવિઝન બેન્ચે પઠાણની અપીલ પર સુનાવણી કરતા મૌખિક રીતે સવાલ કર્યો હતો કે, કોઈ પણ જાતની ફાળવણી પ્રક્રિયા પૂરી કર્યા વિના કે પૈસા ચૂકવ્યા વિના તમે આ સરકારી જમીન પર ફેન્સિંગ કરીને કબજો કેવી રીતે મેળવી લીધો?
કોર્ટે સ્પષ્ટ કર્યું કે યોગ્ય પ્રક્રિયા વિના જાહેર જમીન પર કબજો કરનાર વ્યક્તિ કોર્ટ પાસે રાહતની અપેક્ષા રાખી શકે નહીં. સાથે જ કોર્ટે સંકેત આપ્યો છે કે પઠાણને બે સપ્તાહમાં જમીન ખાલી કરવી પડી શકે છે અને જાહેર સંપત્તિના ઉપયોગ બદલ દંડ પણ ભરવો પડી શકે છે. યુસુફ પઠાણ તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટે રજૂઆત કરી હતી કે 1999 ની રાજ્ય સરકારની નીતિ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને અમુક શરતો હેઠળ જમીન ફાળવી શકાય છે અને VMC એ 978 ચોરસ મીટરનો આ પ્લોટ બજાર ભાવે ફાળવવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો.
જોકે, હાઇ કોર્ટે આ દલીલ ફગાવતા નોંધ્યું હતું કે રાજ્ય સરકારની મંજૂરી વિના આ દરખાસ્ત ક્યારેય કાયદેસરની ફાળવણી બની શકી નથી. કોર્ટે એ મ્યુનિસિપલ અધિકારીઓ સામે પણ તપાસની ચેતવણી આપી હતી જેમણે પઠાણને જમીન પર વાડ લગાવવા અને કબજો કરવાની છૂટ આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર દ્વારા જ્યાં સુધી સત્તાવાર રીતે ફાળવણી કરવામાં ન આવે ત્યાં સુધી સરકારી પ્લોટ પર ફેન્સિંગ કરવું એ પણ એક ગુનો છે. આ મામલે આગામી સુનાવણી 15 જૂને થવાની છે.
આ સમગ્ર ઘટનાક્રમ પશ્ચિમ બંગાળના રાજકારણમાં આવેલા મોટા ભૂકંપ તરફ ઈશારો કરે છે. કલ્યાણ બેનર્જીએ બળવાખોર સાંસદોને પડકાર ફેંક્યો છે કે તેઓ પોતાના મતવિસ્તારમાં જઈને TMC કાર્યકરો અને જનતાનો સામનો કરે અને લોકોનું મંતવ્ય સાંભળે. વધુમાં, કલ્યાણ બેનર્જીએ પશ્ચિમ બંગાળની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્યમાં હવે લોકશાહી ખતમ થઈ ગઈ છે અને તાનાશાહી પ્રવર્તી રહી છે. વડોદરાના વતની એવા યુસુફ પઠાણની રાજકીય અને કાનૂની બંને મોરચે વધી રહેલી મુશ્કેલીઓ હાલ કોલકાતાથી લઈને દિલ્હી સુધી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.