Tue Jul 07 2026

Logo

PF ખાતાધારકો માટે ખુશખબરી! હવે 8 કરોડ ખાતામાં જોડાશે 8.25% વ્યાજ, ઘેર બેઠા આ રીતે ચેક કરો બેલેન્સ

2026-07-07 13:07:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: જો તમારા પૈસા પણ EPFમાં જમા થાય છે, તો તમારા માટે મોટી ખુશખબરી છે. EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ PF ખાતાઓમાં જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવાના નિર્દેશો જાહેર કરી દીધા છે. હવે કરોડો કર્મચારીઓના PF ખાતામાં ટૂંક સમયમાં જ વ્યાજની રકમ દેખાવા લાગશે અને તેનાથી પીએફ એકાઉન્ટમાં રાખેલા પૈસા પણ વધી જશે. નીચેની રીતે તમે જાણી શકો છો કે તમારું પીએફ બેલેન્સ અને આવેલું વ્યાજ કેવી રીતે ચેક કરવું. સાથે જ જો વ્યાજ ન દેખાય તો શું કરવું, તે પણ અહીં સમજાવવામાં આવ્યું છે.

PF ખાતામાં વ્યાજ ક્યારે આવશે?

તમને જણાવી દઈએ કે EPFO તરફથી ફિલ્ડ ઓફિસોને ખાતાઓમાં 8.25% વ્યાજ જમા (ક્રેડિટ) કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. વ્યાજના પૈસા અલગ-અલગ ખાતાઓમાં એક-એક કરીને અપડેટ થશે. જો તમારા ખાતામાં અત્યારે વ્યાજ નથી દેખાઈ રહ્યું, તો ગભરાવાની જરૂર નથી. બધા ખાતાઓમાં વ્યાજ ધીમે-ધીમે જમા કરવામાં આવશે.

આ 4 રીતોથી ચેક કરો PF બેલેન્સ-

1. EPFO વેબસાઇટ- EPFOની મેમ્બર પાસબુક વેબસાઇટ પર જાઓ. ત્યાં, UAN અને પાસવર્ડ વડે લોગિન કરો. ત્યારબાદ Member ID પસંદ કરતાની સાથે જ પીએફ બેલેન્સ અને વ્યાજ દેખાઈ જશે.

2. ઉમંગ એપ (Umang App)- ઉમંગ એપ ખોલો અને EPFO સર્વિસ પસંદ કરીને 'વ્યૂ પાસબુક' (View Passbook) પર ક્લિક કરો. હવે UAN વડે લોગિન કર્યા પછી બેલેન્સ જોઈ શકાશે.

3. મિસ્ડ કોલ- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ કરો. થોડી જ વારમાં મેસેજ દ્વારા પીએફ બેલેન્સની માહિતી મળી જશે.

4. મેસેજ દ્વારા બેલેન્સ- જો તમારો UAN એક્ટિવ છે અને આધાર, પાન (PAN) કે બેંક ખાતા સાથે લિંક છે, તો રજિસ્ટર્ડ મોબાઈલ પરથી EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલો. થોડી જ વારમાં બેલેન્સની માહિતી મળી જશે.

શું વ્યાજ મોડું આવવાથી નુકસાન થશે?

જો વ્યાજની એન્ટ્રી તમારા પીએફ પાસબુકમાં મોડી દેખાય તો પણ તમારું કોઈ નુકસાન થવાનું નથી. EPFO વ્યાજની ગણતરી નિયમો અનુસાર કરે છે અને પૂરેપૂરા પૈસા તમારા ખાતામાં ઉમેરી દેવામાં આવે છે.

જો વ્યાજ ન દેખાય તો શું કરવું?

જો થોડા સમય પછી પણ તમારા પીએફ ખાતામાં વ્યાજ અપડેટ ન થાય, તો પહેલા મેમ્બર પાસબુક અથવા ઉમંગ એપ પર ફરીથી ચેક કરો. જરૂર જણાય તો EPFOના હેલ્પલાઇન નંબર અથવા નજીકની કચેરી (ઓફિસ) નો સંપર્ક કરી શકાય છે.