નિઝામબાદઃ તેલંગાણાના નિઝામાબાદમાં નર્સે પ્રેમી સાથે મળીને ટોઈલેટ ક્લીનરની પતિની હત્યા કરી હતી. આ ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. નર્સે તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચ્યું હતું. જે મુજબ પહેલા પતિને છત પરથી ધક્કો માર્યો હતો. જેમાં તે જીવતો બચી જતાં હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નસમાં ટોઈલેટ ક્લીનરનું ઈન્જેક્શન આપીને હત્યા કરી હતી.
શું છે સમગ્ર મામલો
મૃતક પ્રશાંત (ઉ.વ.35) ખાડી દેશમાં કામ કરતો હતો. તેની માતાએ 1 જુલાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે પોતાના પુત્રને મોતને રહસ્યમય ગણાવ્યું હતું અને પુત્રવધૂ સંધ્યા પર શંકા વ્યક્ત કરી હતી.
ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સોર્સના આધારે પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. પોલીસ અનુસાર 32 વર્ષની સંધ્યાને 35 વર્ષના અનિલ સાથે આડાસંબંધ હતા. સંધ્યાએ તેના પ્રેમી અનિલ સાથે મળીને પતિને મારવાની યોજના બનાવી હતી. બંનેને તેમના પ્રેમમાં પતિ કાંટારૂપ લાગતો હતો.
આ કાવતરાને અંજામ આપવા માટે તેમણે વેંકટ સાઈ નામના એક વ્યક્તિની મદદ લીધી. પોતાની યોજના મુજબ, 29 જૂને સાઈ પ્રશાંતના ઘરે ગયો. ત્યાં જઈને તેણે પ્રશાંતને ખૂબ વધારે દારૂ પીવડાવ્યો હતો. આ પછી સાઈ પ્રશાંતને બિલ્ડિંગની છત પર લઈ ગયો હતો. ફોન પર સંધ્યાની સૂચનાઓ મળ્યા બાદ સાઈએ પ્રશાંતને છત પરથી નીચે ધક્કો મારી દીધો હતો.
પતિને આપ્યું ટોયલેટ ક્લીનરનું ઈન્જેક્શન
છત પરથી પડવાને કારણે પ્રશાંતને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે, તેનો જીવ બચી ગયો. આ પછી સંધ્યા અને સાઈ પ્રશાંતને સારવાર માટે એક સરકારી હૉસ્પિટલ લઈ ગયા. થોડા સમય પછી તેઓ તેને એક ખાનગી હૉસ્પિટલ લઈ ગયા. બાદમાં તેઓ તેને પાછા ઘરે લઈ આવ્યા. ઘરે લાવ્યા પછી અનિલે સંધ્યાને હત્યા માટે ઉશ્કેરી હતી. આ પછી સંધ્યાએ નસથી ટોયલેટ ક્લીનર અને બેહોશીની દવાનું ઈન્જેક્શન માર્યું હતું. એટલું જ નહીં, સંધ્યાએ પ્રશાંતને ખાટલા પરથી નીચે પણ ધકેલી દીધો હતો. જેના કારણે પ્રશાંતનું મોત નીપજ્યું હતું.
આરોપીઓએ ગુનો કબૂલ્યો
પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.