Fri May 01 2026

Logo

ચીન પાકિસ્તાન પર 'ઓળઘોળ' થયું: પાકિસ્તાનની સાર્વભૌમત્વ-વિકાસના કર્યાં વખાણ

Beijing   2026-03-23 20:32:20
Author: Mumbai Samachar Team
Article Image

બીજિંગઃ ચીનના પ્રમુખ શી જિનપિંગે આજે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા બદલ પ્રશંસા કરી હતી તેમ જ તેમણે ચીન પાકિસ્તાનની સામાજિક વિકાસ સિદ્ધિઓથી ખરા હ્રદયથી ખુશ હોવાનું કહ્યું હતું. જિનપિંગે પાકિસ્તાન દિવસ નિમિત્તે તેમના સમકક્ષ આસિફ અલી ઝરદારીને લખેલા સંદેશમાં આ વાત કહી હતી. 

તેમણે કહ્યું કે લાંબા સમયથી પાકિસ્તાનની સરકાર અને લોકોએ દ્રઢતાપૂર્વક રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય ગરિમાનું રક્ષણ કર્યું છે. પાકિસ્તાને વિવિધ જોખમો અને પડકારોનો સામનો કર્યો છે, રાષ્ટ્રીય વિકાસને આગળ વધાર્યો છે અને પ્રાદેશિક શાંતિ, સ્થિરતા તથા વિકાસમાં યોગદાન આપ્યું છે.

જિનપિંગે વધુમાં જણાવ્યું કે એક નજીકના મિત્ર તરીકે ચીન પાકિસ્તાનની વિકાસ સિદ્ધિઓથી ખરા હ્રદયથી ખુશ છે તેમ જ ચીન દ્વિપક્ષીય સંબંધોના વિકાસને ખૂબ મહત્વ આપે છે. તેમણે કહ્યું કે આ વર્ષ ચીનની ૧૫મી પંચવર્ષીય યોજનાની શરૂઆત અને ચીન તથા પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠનું પ્રતીક છે.

ચીન પ્રમુખ શી જિનપિંગે આશા વ્યક્ત કરી કે બંને પક્ષો તેમની પરંપરાગત મિત્રતાને આગળ વધારશે, વ્યૂહાત્મક સંચાર અને વિકાસ વ્યૂહરચનાઓનું સંકલન વધારશે અને આધુનિકીકરણના પોતપોતાના માર્ગો પર સાથે મળીને આગળ વધશે.