મહિલા સામે કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી: પોલીસ
મુંબઈ: સંસદમાં મહિલા અનામત ખરડાના પતનના વિરોધમાં વરલી વિસ્તારમાં યોજાયેલી ભાજપની રેલીને કારણે થયેલા ટ્રાફિક જૅમ માટે પ્રધાન ગિરિશ મહાજન પાસે જવાબ માગનારી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જોકે પોલીસે સ્પષ્ટતા કરી છે કે મહિલા વિરુદ્ધ કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. એડવોકેટ ગુણરત્ન સદાવર્તેની પુત્રી ઝેન સદાવર્તેએ બુધવારે પોલીસને ફરિયાદ સુપરત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે વરલી વિસ્તારમાં નારી શક્તિ વંદન અધિનિયમ રેલી માટે પોલીસ દ્વારા મંગળવારે પરવાનગી આપવામાં આવી હતી. રેલી દરમિયાન ભાજપના પ્રધાન ગિરિશ મહાજન પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે રસ્તાને અવરોધવા અને અસુવિધા ઊભી કરવા બદલ રોષે ભરાયેલી એક મહિલાએ ગિરિશ મહાજન પાસે આ અંગે જવાબ માગ્યો હતો.‘અહીંથી નીકળી જાઓ. તમે ટ્રાફિક જૅમ કરી રહ્યા છો,’ એવું મહિલાએ કહ્યું હતું અને નજીકના ખુલ્લા મેદાનમાં કેમ ન યોજી શકાય, એવું પૂછ્યું હતું.
ઝેન સદાવર્તેએ વરલી પોલીસ સ્ટેશનમાં સુપરત કરેલી પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે મહિલાએ ધીંગાણું કર્યું, અપશબ્દોનો ઉપયોગ કર્યો અને રેલીમાં અવરોધ ઊભો કર્યો હતો.
આ દેશમાં મહેનતું પોલીસ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, બંધારણ અને બંધારણીય યંત્રણાનું અપમાન કરવાની મંજૂરી નથી, એમ સદાવર્તેએ કહ્યું હતું.સદાવર્તેએ મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવા વિનંતી કરી હતી.
દરમિયાન ડેપ્યુટી પોલીસ કમિશનર કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વરલીના જાંભોરી મેદાન ખાતે 21 એપ્રિલે યોજાયેલા મોર્ચા દરમિયાન ટ્રાફિક જૅમને કારણે આંદોલનકારીઓ તરફ ઘાંટા પાડનારી મહિલા વિરુદ્ધ કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. (પીટીઆઇ)