Sat Sep 05 2026

Logo

World Photography Day: જાણો ક્યારે ક્લિક થઈ હતી દુનિયાની પહેલી સેલ્ફી અને પહેલો ફોટોગ્રાફ

2026-08-19 17:56:57
Author: Darshana Visaria
World Photography Day: જાણો ક્યારે ક્લિક થઈ હતી દુનિયાની પહેલી સેલ્ફી અને પહેલો ફોટોગ્રાફ

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને કેમેરાના કારણે વિશ્વભરમાં દરરોજ અબજો ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં આવે છે. ફોટો માત્ર એક દ્રશ્ય નથી હોતો, પરંતુ તે એક ક્ષણને હંમેશ માટે યાદગાર બનાવવાનું શક્તિશાળી માધ્યમ છે. દર વર્ષે 19મી ઑગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ફોટોગ્રાફી દિવસ' (World Photography Day) ઉજવવામાં આવે છે. પરંતુ આજના સેલ્ફી અને હાઈટેક કેમેરાના જમાનામાં બહુ ઓછા લોકો ફોટોગ્રાફીની સદીઓ જૂની રોચક સફર વિશે જાણે છે. આવો જાણીએ ફોટોગ્રાફી સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા અને ઈન્ટ્રેસ્ટિંગ ફેક્ટ્સ...

1839માં લેવાઈ હતી દુનિયાની પહેલી 'સેલ્ફી'


મોટાભાગના લોકો માને છે કે 'સેલ્ફી' એ સ્માર્ટફોનના જમાનાની નવી શોધ છે, પરંતુ વાસ્તવમાં દુનિયાની પહેલી સેલ્ફી વર્ષ 1839માં ક્લિક કરવામાં આવી હતી. અમેરિકન ફોટોગ્રાફર રોબર્ટ કોર્નેલિયસ (Robert Cornelius) એ કેમેરા સેટઅપ કરી લેન્સ કેપ હટાવીને દોડીને ફ્રેમમાં ઊભા રહીને પોતાની અને વિશ્વની સર્વપ્રથમ સેલ્ફી ખેંચી હતી.

 

દુનિયાનો પહેલો ફોટોગ્રાફ લેતા લાગ્યા હતા આઠ કલાક!

વિશ્વનો સૌથી પહેલો ફોટોગ્રાફ વર્ષ 1826-27ની આસપાસ ફ્રેન્ચ સંશોધક જોસેફ નિસેફોર નિપ્સે (Joseph Nicéphore Niépce) દ્વારા લેવામાં આવ્યો હતો. આ તસવીર ખેંચવા માટે તેમણે જસત (Zinc)ની પ્લેટ પર લાઇટ સેન્સિટિવ 'બિટ્યુમેન ઓફ જુડિયા'નું કોટિંગ કર્યું હતું. આ તસવીરને યોગ્ય રીતે એક્સપોઝ થવામાં આશરે આઠ કલાકનો સમય લાગ્યો હતો.

19મી ઑગસ્ટે જ કેમ ઉજવાય છે ફોટોગ્રાફી દિવસ?

જોસેફ નિસેફોર અને લુઇસ ડાગેર દ્વારા વિકસિત આ પદ્ધતિને 'ડાગેરોટાઇપ' (Daguerreotype) નામ આપવામાં આવ્યું હતું. 19મી ઑગસ્ટ 1839ના રોજ ફ્રાન્સની સરકારે આ પ્રક્રિયાને પેટન્ટ-મુક્ત કરીને સમગ્ર વિશ્વ માટે ભેટ તરીકે જાહેર કરી હતી. આ ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષે 19મી ઑગસ્ટે 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે' ઉજવવામાં આવે છે.

કોઈ માણસનો આકસ્મિક રીતે લેવાયેલો પહેલો ફોટો

લુઇસ ડાગેરે પેરિસના 'બુલવાર્ડ ડુ ટેમ્પલ' ખાતે લાંબા એક્સપોઝર સાથે તસવીર ખેંચતી વખતે રસ્તા પર બૂટ પોલિશ કરાવી રહેલા એક વ્યક્તિ અને મોચીનો ફોટો ક્લિક કરવામાં આવ્યો હતોતસવીર કેદ થઈ હતી, જેને માનવ ઇતિહાસમાં કોઈ વ્યક્તિનો કેમેરામાં કેદ થયેલો સર્વપ્રથમ ફોટો માનવામાં આવે છે.

રંગીન ફોટોગ્રાફી અને ડિજિટલ કેમેરાની શરૂઆત

પ્રથમ રંગીન તસવીર: 
સ્કોટિશ ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મેક્સવેલ દ્વારા 17મી મે, 1861ના રોજ દુનિયાનો પહેલો કલર ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. થોમસ સટને પ્રથમ એસએલઆર (SLR) કેમેરા અને પેનોરેમિક લેન્સની શોધમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

પ્રથમ ડિજિટલ કેમેરા:
કોડક કંપનીના એન્જિનિયર સ્ટીવન સેસન (Steven Sasson) દ્વારા બનાવવામાં આવેલો વિશ્વનો પ્રથમ ડિજિટલ કેમેરા આશરે 3.6 કિલોગ્રામ વજનનો હતો, જે આજના પોકેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન કેમેરાથી તદ્દન વિપરીત હતો.