મોરારિબાપુ
नहीं कलि करम न भगति बिबेकू|
राम नाम अवलंबन एकु॥
‘રામચરિત માનસ’માં ગોસ્વામીજીએ જાનકી અને રામના અભિન્ન રૂપની વંદના કરી. અને પછી રામ નામ મહારાજની વંદના કરી. રામ નામનો મહિમા તુલસીએ નવ દોહામાં ગાયો છે. વ્યાસપીઠે ઘણીવાર આપની સાથે સંવાદ કર્યો છે કે ભગવાનનું રામ રામ એ નામ પણ છે અને મહામંત્ર પણ છે.
હું એમ નથી કહેતો કે રામ નામ જ જપો. કૃષ્ણ નામનો જપ કરો, શિવનું નામ જપો, રાધાનું નામ જપો, જે નામ લો તે આપને મુબારક. જ્યાં જે નામમાં આપની નિષ્ઠા હોય એ નામ લો, પરંતુ જો કોઈ નામનો આપ નિર્ણય ન કરી શકો તો વ્યાસપીઠ કહેશે કે રામ નામ જપો, બાકી પસંદ આપની. શિવ નામ, મુબારક. કૃષ્ણ નામ, મુબારક. બુદ્ધનું નામ, મુબારક. નમો અરિહંતાણમ, મુબારક. મા દુર્ગા, મુબારક જેમાં આપની રુચિ હોય એ નામ લો. પરંતુ રામ છે સૌનું સમન્વિત રૂપ. નામ તો ભગવાન રામનું જ સાહેબ ! તો પ્રભુનું નામ, હરી નામ, આપ જે નામ લો, કંઈ વાંધો નથી. આપ સ્વતંત્ર છો, પરંતુ નામ જપો.
વ્યાસજીની સામે પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે મંદિરો જેટલાં જરૂરી હોય એથી વધુ ન બનાવીએ? કહે, નહિ, કારણ મંદિરો તોડવામાં આવશે, મૂર્તિઓની ચોરી થશે. વ્યાસજીને કોઈએ પૂછ્યું કે તો પછી કોઈ મંદિર નહિ બનાવવું? કહે, એક મંદિર બનાવજો. ક્યાં બનવવાનું? જમીન પર? નહિ, વ્યાસજીનો જવાબ છે.
એક મંદિર સૌએ બનાવવું, ન કોઈ તોડી શકશે, ન કોઈ ચોર ચોરી કરી શકશે, ન કોઈ ખર્ચો લાગશે, ન ભૂમિપૂજન, ન ધ્વજારોહણ, ન કોઈ પ્રતિષ્ઠા,ન કોઈ પૂજાપાઠ, ન કોઈ ક્રિયાયોગ, ન કોઈ પરંપરા, કંઈ કરવાનું નહિ. તો પછી મંદિર વૃંદાવનમાં બનાવીએ ? નહિ. બદરીનાથમાં બનાવીએ? હરગિજ નહિ. તમારા ગામમાં ન હોય તો નવું બનાવો, જર્જરિત હોય તો ર્જીણોદ્ધાર કરો, ઠીક છે. તો પૂછ્યું કે કાશીમાં બનાવીએ ? બિલકુલ નહિ. અયોધ્યામાં બનાવીએ? નહિ. વ્રજમાં બનાવીએ? કહે, નહિ.
એક મંદિર બનાવો, ભૂમિથલ પર નહિ, તમારી જીભ પર બનાવો. કૃષ્ણનામનું મંદિર બનાવો. ન કોઈ તોડશે, ન કોઈ મૂર્તિને લૂંટી જશે. જીભ ઉપર કૃષ્ણના નામનું મંદિર થઈ જાય. નામનો ખૂબ મહિમા છે. કૃષ્ણ તો પાછળ રહે છે. સારી વાત છે કે પાછળ રહે છે. એ સારો માણસ છે કે ઓછામાં ઓછું પાછળ તો રહે છે, પણ નામ તો આગળ રહે છે. હનુમાનજી સુરસાના મુખમાં જાય છે તો મુખાગ્રે રામનામ છે.
प्रभु मुद्रिका मेली मुख माहीं|
जलधि लांधे गए अचरज नाहीं ॥
રામનામને મુખના અગ્રભાગમાં રાખો. ફાયદો એ થશે કે અઘાસુરને તો કૃષ્ણે મોટા થઈને મારી નાખ્યો, સુરસાને હનુમાનજીએ મારી ન નાખી,રામનામના પ્રતાપથી સુરસાના મુખમાંથી હનુમાનજી સુક્ષ્મ થઈને નીકળી ગયા. ન સુરસા મરી, ન હનુમાનજીને કંઈ થયું, એ નામ-મહારાજનો મહિમા છે.
જ્યારે નામનો આશ્રય વ્યક્તિ લે છે તો એને સપનામાંય ચિંતા નથી થતી. ચિંતા હરિ કરે છે, કારણ નામની મસ્તીમાં મસ્ત રહે છે. એજ સાચું આત્મસુખ,પરમસુખ છે. વ્યાસજીએ કલિયુગનું વર્ણન કરતાં દુ:ખ વ્યક્ત કર્યું. વ્યાસજીએ કહી દીધું કે કલિયુગમાં ઘરે ઘરે પુસ્તકોના બહુ મોટા ભાર થઇ જશે. પુસ્તકો બહુ હશે પરંતુ એનો સાર જે હરિનામ છે એ નથી રહેતો. આજના અભ્યાસમાં પણ જુઓ, બાળકો ભરાઈ જાય છે, ઝૂકી જાય છે પુસ્તકોના ભારથી. આમ, વ્યાસની વાણી સિદ્ધ થઈ રહી છે. ઘેર ઘેર પુસ્તકોના ઢગલા થઈ ગયા. નગરમાં પંડિતોનાં જૂથો હશે. બધા ભણેલાગણેલા પંડિતો જ હશે.
અમે પણ જાણીએ છીએ, આમ નગર નગરમાં પંડિતોનાં જૂથો હશે અને આશ્રમે આશ્રમે તપસ્વીઓ હશે. અમે યોગીઓ છીએ, અમે ફલાણા છીએ,અમે આમ કરીએ છીએ,અમે સિદ્ધ છીએ. મઠે મઠે તાપસનાં વૃંદો હશે; પરંતુ બ્રહ્મવેત્તા અને પોતાના સ્વધર્મમાં યુક્ત રહી કર્મ કરવાવાળા નહિ હોય. એટલે કે સાર નહિ પામશે. સાર તો મળશે જ્યારે હરિનામમાં સ્થિત થઈ જશે. ચૈતન્યની આખી પરંપરાનો એકમાત્ર સાર હતો, હરિનામ, હરિનામ. તુલસીદાસજી કહે છે, મને બીજી કોઈ વાત પર ભરોસો નથી, મારા જીવનની પ્રગતિનો કોઈ રાજ હોય, મારા વિશ્વાસનું કોઈ કેન્દ્ર હોય તો તે એકમાત્ર હરિનામ છે.
મધુસૂદન સરસ્વતીચંદ્ર આચાર્યનું સૂત્ર છે, જ્યારે કોઈ કામ ન હોય અને ઊંઘ ન આવતી હોય, બધું કરી લીધું હોય,અને પછી સમય બચે તો એમાં હરિ ભજો. તમે જે કાર્યોમાં તમારો સમય વિતાવવા માગતા હો એ અવશ્ય વિતાવો બાળકો સાથે, મિત્રો સાથે,પરિવાર સાથે, ઓફિસમાં, ખેતરમાં બધી જગ્યાએ વિતાવો. કોઈ નાટક જુઓ, ચલચિત્ર જુઓ, આનંદ કરી લો, મુશાયરામાં જાઓ, જે કરવું હોય તે કરી લો. સૂઈ લો, ખાઈ લો, વોક કરી લો,પરંતુ ત્યાર પછી પણ કંઇ કરવું બાકી ન હોય અને તમારી પાસે સમય હોય તો, હું એક સાધુને નાતે પ્રાર્થના કરું કે એ સમયે હરિભજન કરી લો. એવો ભાવ ઊઠે ત્યારે સમજવું કે મારો રજોગુણ ઓછો થઈ રહ્યો છે.
સમય મળતાં જ ઠાકુરનું સ્મરણ કરો. તમાર મનમાં જે નામ આવે, જેની ઈચ્છા થાય એનું સ્મરણ કરો. ઠાકુર રામકૃષ્ણ શું કહેતા હતા? ‘મા,મા,મા,મા.’ ચૈતન્ય શું કહેતાં હતા? ‘હરિ બોલ,હરિ બોલ.’ કોઈ પરમની યાદમાં શાંતિથી બેસો, કેમ કે એવું પાંચ મિનિટનું સ્મરણ આખા દિવસની થકાવટ ખતમ કરી દેશે. યુવાન ભાઈ-બહેનો, રાતે જયારે પણ આપણે થોડો સમસ્ય મળે ત્યારે પ્ર્ભુનું નામ લઇ સૂઈ જાઓ. આપે એકવીસ હજાર નામ જપવાની જરૂર નથી.
એકસો આઠ મણકાની માળા કરો તો બહુ સારી વાત છે. બેરખો રાખો તો સારી વાત છે. કોઈ પણ રીતે જપ કરો. દાદાજી બેરખાનો અર્થ કરતાં કહેતા હતા કે તું જો અઢાર મણકાનો બેરખો ફેરવીશ તો અઢાર પુરાણની બધી વાતો સમયસર તારી સ્મૃતિમાં આવી જશે. તો, જપમાળાથી, બેરખાથી અથવા તો આંગળી પર આપ નામ જપો કે પછી એમ જ જપો. પ્રભુનું નામ લો, બસ. નામ જ સહારો છે. ગોસ્વામીજી કહે છે, ભાવથી નામ લો; ભાવ ન હો તો પણ લો. આક્રોશથી લો,આળસથી લો,પરંતુ નામનો આશ્રય કરશો તો દસેય દિશાઓમાં મંગલ થશે.નામ અંતિમ વિશ્રામ છે.
- સંકલન: જયદેવ માંકડ