અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં એપ્રિલ મહિનામાં જ અષાઢ જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે ગુજરાત - મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડુ અને કરા પડવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આ અઠવાડિયે બે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરશે, જેના કારણે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની શક્યતા વધી ગઈ છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે. ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે હવામાન બદલાઈ રહ્યું છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદથી તાપમાન ઘટશે અને ગરમીથી રાહત મળશે. જોકે, વરસાદથી રવિ પાકને નુકસાન થવાનું જોખમ પણ છે.
⚠️ IMD Weather Alert !
— India Meteorological Department (@Indiametdept) April 2, 2026
Two active western disturbances expected to impact Northwest India this week, with peak intensity on April 3rd–4th and again on April 7th.
🌧️ Heavy rainfall likely in Kashmir Valley
🌩️ Hailstorms expected on April 3rd & 4th
Stay safe and take necessary… pic.twitter.com/gxOzHI7QDA
ગુજરાતમાં આજે ક્યાં છે કમોસમી વરસાદની આગાહી
આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અમે ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 4 એપ્રિલે અમરેલી, ભાવનગર, અમવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદામાં જિલ્લામાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે પણ રાજ્યમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કેટલાક વિસ્તારોમાં આજે પણ કરા પડવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ સુધી વરસાદ યથાવત રહેવાનો અંદાજ છે. સોલાપુર, ધારાશિવ, પુણે, અહિલ્યાનગર, નાસિક, જલગાંવ, નંદુરબાર, છત્રપતિ સંભાજીનગર, જાલના અને બીડ વિસ્તારમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
3, 4 અને 7 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન વિક્ષોભની અસર સૌથી વધુ રહેશે. ખાસ કરીને 3 અને 4 એપ્રિલે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં કરા પડી શકે છે, જ્યારે કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અનેક સ્થળોએ 50–60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં 4 અને 5 એપ્રિલે વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે.
મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 6 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ તેજ પવન સાથે વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કેરળ, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુમાં આગામી કેટલાક દિવસો સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળવાની આશા છે.