Sun Jun 07 2026

Logo

આજે આટલું જ: પશ્ર્ચિમ બંગાળ ને આવતી કાલનું ભારત...

2026-06-07 09:16:00
Author: Shobhit Desai
Article Image

 

 

 

- શોભિત દેસાઈ

 

ઘાયલ સાહેબ હયાત હોત તો એમને માથે આ હિંમત ઠપકારી જ હોત, એમની ગઝલનો પહેલો શેર બદલવાની...

 

ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા

કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા

ને બદલે આમ રાખવાનું કહેવાની ધૃષ્ટતા કરી જ હોત...

 

ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા

અવસાન પામ્યા એ બધા ઈન્સાન નીકળ્યા

 

મારી અતિશય સીમિત અક્કલના ભરોસે એક સ્પષ્ટ વાત કરું. ભારતના સૌ પ્રથમ વીસ જ્ઞાની ભરોસાપાત્ર અને સાગરનું ઊંડાણ ધરાવતા ભારતરત્નોમાંથી એક છે મહેશ જેઠમલાની. બંગાળના પરિણામનો એમનો તાર્કિક નિષ્કર્ષ મુકતો ઊંડો અને તલસ્પર્શી લેખ વાંચવા મળ્યો. એમના નિરીક્ષણ પ્રમાણે બંગાળના પરિણામે ભારતીય રાજકારણનો ચહેરો કાયમને માટે બદલી નાખ્યો છે. હાર્યા બાદના દિવસથી આજ સુધી ઈન્ડિ ઠગબંધન oh sorry ગઠબંધનનો એક પણ સભ્ય મ મ તા (જે હવે સાવ મમતા થઈ ગઈ છે)નો ફોન ઉપાડવા તૈયાર નથી. 4 મહિના પહેલા જે વિચારમાંય ન આવે એવી વાત. પણ આ તો હજી (ગોવર્ધનરામની ભાષામાં કહું તો) જવનિકાનાં છેદન અને આવનારા સમયના આત્મમંથન તરફનો સંકેત છે.

 

બંગાળના પરિણામ એ માત્ર ચૂંટણીના પરિણામ નથી. એ છે સૈદ્ધાંતિક ધરતીકંપ જેના આંચકા ઓછામાં ઓછા દસ વર્ષ સુધી અનુભવાતા રહેશે. ભાજપાનો બંગાળ-વિજય એ માત્ર મમતાને હરાવવા કે ટીએમસીનો ખાત્મો બોલાવવા પૂરતો નથી. ઘણો મોટો, કલ્પના બહારનો છે એનો વિસ્તાર... એટલે કે ભારતીય રાજકારણના વ્યાકરણમાં સભાન હિન્દુત્વની સ્થાપના. દાયકાઓ સુધી ભારતીયોને ઠસાવવામાં આવ્યું કે હિન્દુત્વનું કેન્દ્રીકરણ દેશ માટે હાનિકારક છે. અને માત્ર અને માત્ર રોટીયું (પેટિયું ઉપરથી) રળવાની ચિંતામાં મગ્ન અર્ધવસ્ત્રહીન, સદાનો આશભર્યો (75%) ભારતીય ભરમાતો જ રહ્યો. એણે એ પણ માની લીધું કે સનાતન ગર્વ જાતિવાદ પીડિત છે. મંદિરનું ધર્મકારણ વિકાસનું અવરોધક છે અને હિન્દુ હોવાનો અપરાધભાવ, પક્ષપાતભર્યો આક્રોશ, લઘુમતીના બંધારણીય અધિકાર તેમ જ કહેવાતી ધર્મનિરપેક્ષતાની વિવિધ તૃષ્ટીકરણની યોજનાઓ જ દેશ માટે ખાસ કરીને હિન્દુઓ માટે લાંબા ગાળે લાભદાયક છે.

 

મુતાસીર લોગ યું હૈં રોટીયોંસે

ખયાલોં તક ગઈ ગોલાઈયાં હૈં

સૂર્યભાનુ ગુપ્ત

 

(લોકો રોટલી જોઈ નથી કે એવા ગાંડા ઘેલા થઈ જાય છે કે રોટલીની ગોળાઈઓ વિચારોમાં પેસી ગઈ છે.)

 

બંગાળે આ આખી વ્યવસ્થાના ટાયરમાં કાણું પાડી દીધું. હિન્દુત્વ વિરોધી વિચારધારાનું એક વખતનું ખૂબ જ બોલકું રાજ્ય, જુઠ્ઠી ધર્મનિરપેક્ષતાના વાવટા ફરકાવવા સિવાય જ્યાંના સાવ પોકળ બુદ્ધિજીવીઓએ કંઈ કર્યું જ નથી, (રવીન્દ્રનાથનું નામ લજવ્યા સિવાય) એ રાજ્ય દ્વારા જણાવાઈ ગયું દુનિયાને કે બંગાળને પોતાની સાંસ્કૃતિક ઓળખ બદલ છે તો કેવળ ગર્વ અને અભિમાન છે. મનમાં વર્ષોથી રોપાયેલા છતાં હજી આજેય એટલાં જ તાજા લાગતા બી-કૂપળ-વૃક્ષ જેવા ગર્વ અને અભિમાન... મતદાતા હવે જરા ય એ ભ્રામક માન્યતામાં છે જ નહીં કે ધર્મનિરપેક્ષતા, જુઠ્ઠી- ગાઈ વગાડેલી બકવાસ ધર્મ નિરપેક્ષતાને ‘રક્ષવા’ હિંદુ સ્વમાનનું બલિદાન આપવું પડે. અને તમે જુઓ... તરત જ તમે જુઓ મારા વાચકસાહેબ! મારા મોંઘેરા મહેમાન! શું થયું તમિળનાડુમા...ં ડીએમકેના સનાતન વિરોધી આડંબરીઓના અત્યંત કર્કશ વાહનનો ભાંગીને ભુક્કો થઈ ગયો. ડીએમકે નેતાગીરી (નેતાગણ સારો શબ્દ થઈ જાય) ખુલ્લે આમ કબૂલી રહી છે કે ઈન્ડિયા બ્લોક પતી ગયો. (જેને અંતિમ સભામાં જવું હોય મને જણાવે. મારી પાસે છે સરનામું.... રાખવું તો પડે ને!) આ માત્ર એક ગઠબંધનનું અવસાન નથી. આ તો શરૂઆત છે ભાજપ વિરોધી, હિન્દુત્વ વિરોધી વિચારધારાઓના લોકોના દ્વારા એકસામટા હનનની. ઈન્ડિ ગઠબંધન એ વૈચારિક સંગઠન હતું જ નહીં. એ સંગઠન હતું માત્ર ભયનું, ડરનું, ઓથારનું....

 

મોદીનો ભય

ભાજપાનો ભય

આરએસએસનો ભય

 

હિંદુ મતદારનો ભય જેણે ચૂપ રહેવાનું બંધ કરી દીધું. ભારતનો ભય, એ ભારતનો ભય જે હવે એને ભોગવટાનું સાધન સમજનાર પરિવારના વંશજોનું સાંભળનાર નથી જ નથી. દ્રાવિડ સંસ્કૃતિના ખાઈ બદેલા સાચવનારાઓનું દંભી વર્તન જાણે છે, ડાબેરી બૌદ્ધિકોની લબાડ વિશ્ર્વસનીયતા પર એની શંકા દૃઢ છે અને દીવાનખાનાના ધર્મનિરપેક્ષવાદીઓ હવે એને પૂરેપૂરા ગંધાય છે.

 

હજી આવતો રવિવાર આખો છે મહેશ અને આપણી વચ્ચે.

 

આજે આટલું જ...