વાયનાડ : કેરલમના વાયનાડના ભૂસ્ખલનમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. તેમજ સાતથી વધુ લોકો ઘાયલ છે અને સાત લોકો ગુમ છે. જોકે, વાયનાડમાં આ પ્રથમ ઘટના નથી આ પૂર્વે વર્ષ 2024માં પણ વાયનાડમાં આવેલી કુદરતી હોનારતમાં 400 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સમયે પણ તેને માનવ નિર્મિત હોવાનું કહેવાતું હતું. તેમ છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારે તેમાંથી કોઇ પણ બોધપાઠ ના લીધો અને ફરી એવી જ ઘટના ઘટી છે. જેની પાછળ અનેક કારણો જવાબદાર છે.
કોન્ટ્રાક્ટની બેદરકારી
આ સમગ્ર દુર્ઘટનામાં મહત્વનું કારણ સામે આવ્યું છે તે કોન્ટ્રાક્ટની બેદરકારી છે. મુખ્યમંત્રી વી.ડી. સતીસને સ્પષ્ટપણે કહ્યું કે જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 20 જૂને જ કોન્ટ્રાક્ટરને ખોદકામનો કાટમાળ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરે આ નિર્દેશની અવગણના કરી હતી.
ભૂસ્ખલન અંગે ચેતવણી આપવામાં આવી હતી
વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક કલ્લાડી ખાતે મીનાક્ષી પુલ પાસે દિલીપ બિલ્ડકોનને ટનલ રોડ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેનું કામ ચાલી રહ્યું હતું. તેમજ કોંકણ રેલ્વે આ પ્રોજેકટની દેખરેખ રાખી રહ્યું હતું. તેમજ તેને ભૂસ્ખલન અંગે ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી
આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 265 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જેની હવામાન વિભાગે આગાહી કરી હતી.
વાયનાડમાં ખડકોમાં કુદરતી તિરાડો
આ ઉપરાંત વાયનાડ પશ્ચિમ ઘાટના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે. તેના ખડકોની રચના અત્યંત નરમ છે. આ ખડકોમાં કુદરતી તિરાડો છે જે વરસાદી પાણીને શોષી લે છે જેના લીધે ખડકો નબળા પડે છે. તેમજ પશ્ચિમ ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલે વાયનાડના વ્યથિરી તાલુકાને 'ઇકો-સેન્સિટિવ ઝોન-1' તરીકે જાહેર કર્યો છે. તેમ છતાં આ વિસ્તારમાં વિકાસ કાર્યો સતત ચાલુ છે.
માધવ ગાડગીલ સમિતિએ માળખાકીય પ્રોજેક્ટ્સ અંગે ચેતવણી આપી હતી
આ ઉપરાંત વર્ષ 2011માં માધવ ગાડગીલ સમિતિએ પશ્ચિમ ઘાટના પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ અને ખાણકામ સામે ચેતવણી આપી હતી. જોકે, કેરળ સરકારે આ અહેવાલને દબાવી દીધો હતો.
વાયનાડની ભૌગોલિક અને પર્યાવરણ સંતુલનની સ્થિતીને નજર અંદાજ કરાઇ
જ્યારે બીજી તરફ વાયનાડની ભૌગોલિક અને પર્યાવરણ સંતુલનની સ્થિતીને નજર અંદાજ કરીને વાયનાડમાં રિસોર્ટ, રોડ પ્રોજેક્ટ, પર્યટન સુવિધા અને બગીચાઓ વધવા લાગ્યા છે. જેમાં વરસાદનું પાણી જમીન શોષનારી જમીન ઘટી છે અને વૃક્ષોનું સ્થાન પણ બિલ્ડિંગ અને બગીચાઓએ લીધું છે. જેના લીધે અસ્થિર ઢોળાવો પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત એક રિસર્ચ અહેવાલ મુજબ વાયનાડમાં સર્જાયેલી દુર્ઘટના દુદરતી નહિ પરંતુ માનવ સર્જિત છે જે સરકારની નિષ્ફળતા પણ છતી કરે છે.