Thu Jun 18 2026

Logo

વિશેષઃ વિકલ્પથી નિર્વિકલ્પની યાત્રા એ જ ધર્મનું ધ્યેય

2026-06-15 08:31:05
Author: રાજેશ યાજ્ઞિક
Article Image

રાજેશ યાજ્ઞિક

આપણે સંકલ્પ ઉપર ચર્ચા કરી. આપણા સંકલ્પોને શિથિલ કોણ બનાવે છે? આપણું મન. કેવી રીતે આપણા સંકલ્પો શિથિલ થાય છે. આપણું મન દ્વિધામાં અટવાયેલું રહે છે. સંસારમાં ડગલે ને પગલે આપણું મન વિકલ્પોમાં ફસાયેલું રહે છે. આપણે સાધારણ શબ્દોમાં તેને દ્વિધા કહીએ છીએ. પરંતુ દ્વિધા અને વિકલ્પ વચ્ચે સૂક્ષ્મ અંતર છે. મુખ્ય તફાવત એ છે કે વિકલ્પો એ કાર્ય કરવા માટે ઉપલબ્ધ ‘પસંદગીઓ અથવા માર્ગો’ છે, જ્યારે દ્વિધા એ ‘મુશ્કેલ માનસિક સ્થિતિ’ છે જ્યાં ઉપલબ્ધ બધા વિકલ્પો એકસરખા (અથવા સમાન રીતે પ્રતિકૂળ) દેખાય છે. 

વિકલ્પની સ્થિતિમાં મનમાં રાગ-દ્વેષ સમાયેલા હોય છે. કુરુક્ષેત્રમાં અર્જુનની સ્થિતિ બહુ વિકટ હતી. તેના મનમાં દ્વિધા તો હતી જ. સાથે તેનું મન વિકલ્પથી પણ ઘેરાયેલું હતું. એક તરફ બાળપણથી લઈને વનવાસ સુધી કૌરવો તરફથી થયેલા અન્યાયનો દ્વેષ-ડંખ હતો, તો બીજી તરફ પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્યથી લઈને અનેક મહાનુભાવો પ્રત્યે ઊંડો સ્નેહ, અપાર આદર પણ હતો, પાછા બધા જ કોઈ ને કોઈ રીતે સંબંધી હતાં. તેથી જ, કુરુક્ષેત્રના યુદ્ધમાં કહેવાયેલી આખી ગીતા આ વિકલ્પમાંથી મનને બહાર લાવવાનો ઉપદેશ છે. 

અર્જુન તો એક ઉદાહરણ છે. આપણા બધાની સ્થિતિ પણ આવી જ નથી શું? માત્ર સાંસારિક બાબતોમાં જ નહીં, ધર્મની બાબતમાં પણ મન વિકલ્પોથી ઘેરાયેલું રહે છે. કયા દેવ પૂજવા, ભક્તિ કરવી કે જ્ઞાનનો માર્ગ અપનાવવો કે તપશ્ર્ચર્યા કરવી? સાધુ બનવું કે સંસારી રહેવું? મનમાં કેટકેટલાય વિકલ્પો સતત રહે છે. 

‘વિકલ્પ’ શબ્દ બે સંસ્કૃત મૂળમાંથી બન્યો છે: વિ+કલ્પ. અને વિ: આ ઉપસર્ગનો અર્થ ‘ભિન્ન’, ‘અલગ’, અથવા ‘વિશેષ’ થાય છે. કલ્પ: આનો અર્થ ‘વિચાર’, ‘સર્જન’, અથવા ‘નિયમ’ થાય છે. વિકલ્પો હોવા એ બેધારી તલવાર જેવું છે. આ વિચાર આપણા મનમાં સતત શંકા પેદા કરી શકે છે. પરિણામે, આપણે એક જ નિર્ણય પર ટકી શકતા નથી. 

પસંદગી કર્યા પછી, વ્યક્તિ પસ્તાવો અનુભવી શકે છે, વિચારી શકે છે કે શું અન્ય વિકલ્પો વધુ સારા હતા. આ આપણને આપણા વર્તમાન નિર્ણયનો આનંદ માણતા અટકાવે છે. વિકલ્પો હોવા એ જીવનનો એક ભાગ હોઈ શકે છે, પરંતુ તેમાં ફસાઈ જવું એ સમજદારી નથી. આવા કાલ્પનિક વિકલ્પો આપણા મનને સત્યથી દૂર લઈ જાય છે અને ભ્રમ પેદા કરે છે. ધર્મનું ધ્યેય આ બધી માનસિક વધઘટને શાંત કરીને *નિર્વિકલ્પ* (વિકલ્પ રહિત ચેતના)ની સ્થિતિ પ્રાપ્ત કરવાનો છે.

રોબર્ટ ફ્રોસ્ટની પ્રસિદ્ધ કવિતા છે, ‘ધ રોડ નોટ ટેકન’. તેની અંતિમ પંક્તિઓ 
એક જંગલમાં બે રસ્તા અલગ થઈ ગયા, અને મેં.......
મેં ઓછો પ્રવાસ કરેલો રસ્તો પસંદ કર્યો,
અને બધું પરિવર્તન તેને કારણે જ આવ્યું....

આપણને સહુને અજાણ્યા રસ્તે જવાનો એક અજાણ્યો ભય સતાવતો હોય છે. આપણે જાણીતો રસ્તો લેવાનું જ પસંદ કરીએ છીએ. કારણકે તે સરળ હોય છે. ભલે, કદાચ એ વધુ લાંબો હોય તો પણ. ધર્મનું ક્ષેત્ર પણ આપણા માટે આ અજાણ્યા રસ્તા જેવું છે. સંસારનો જાણીતો રસ્તો જીવ માટે ઘણો લાંબો હોય છે. ઘણો, ઘણો, લાંબો......તેમ છતાં આપણે સંસારના આ રસ્તાને છોડી શકતા નથી. એ જ, અજાણ્યા રસ્તાનો ભય...જ્યાં આપણી અંદરનો રસ્તો જ આપણા માટે અજાણ્યો હોય, પોતાનો આત્મા જ આપણા માટે અજાણ્યો હોય ત્યાં કયા રસ્તે જવું? 

બસ, આ જ સવાલનો જવાબ આપણે ગોતવાનો છે. જે દિવસે આપણે નિર્વિકલ્પ થઇ જઈશું, તે દિવસે આ સવાલનો જવાબ જડી જશે. 

‘નિર્વિકલ્પ’નો શાબ્દિક અર્થ ‘વિકલ્પ’ થી રહિત અથવા ‘કોઈપણ વિકલ્પ વિના’ થાય છે. નિર્વિકલ્પ હોવું એ ફક્ત પસંદગીઓનો અભાવ નથી; બલ્કે, મનની તે સર્વોચ્ચ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું છે જ્યાં પસંદગી કરવાનો બોજ જ સમાપ્ત થઈ જાય છે. તે એક અખંડ અને અટલ અવસ્થા છે જ્યાં વ્યક્તિ તેના સાચા સ્વભાવ-શાંત, સ્થિર અને સંપૂર્ણ-માં સ્થાપિત થાય છે. તે શંકાથી નિશ્ર્ચિતતા અને બહુવિધતાથી એકતા તરફની યાત્રાનો અંતિમ મુકામ છે.

સંકલ્પથી આપણે આપણા નિર્ણયોમાં અડગ રહીએ છીએ; વિકલ્પ આપણને ચિંતન કરવાની તક આપે છે પરંતુ ક્યારેક મૂંઝવણ તરફ દોરી શકે છે; જ્યારે નિર્વિકલ્પ આપણને સંપૂર્ણ શાંતિ અને સ્થિરતાની સ્થિતિ તરફ દોરી જાય છે.