બેંગ્લૂરુઃ વિરાટ કોહલી અને ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ લંડનમાં આલીશાન ઘર લઈ રાખ્યું છે વર્ષ દરમ્યાન પરિવાર (પુત્રી પાંચ વર્ષની વામિકા અને બે વર્ષીય પુત્ર અકાય) સાથે મોટા ભાગે ત્યાં જ રહે છે એવી અગાઉ થઈ ગયેલી ચર્ચા બાદ હવે આઇપીએલની 19મી સીઝનના આરંભ પહેલાં એક અફવા ઊડી જેનો કોહલીએ તરત જ ટૂંકમાં જવાબ આપી દીધો.
કોહલી ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)નો ભૂતપૂર્વ કૅપ્ટન અને પીઢ ખેલાડી છે. 2025માં રજત પાટીદારના સુકાનમાં આ ટીમ આઇપીએલનું ટાઇટલ પહેલી વખત જીતી હતી. કોહલી વિશે કેટલાક અહેવાલોમાં એવી અફવાની જાણ કરાઈ હતી કે આઇપીએલ દરમ્યાન બે મૅચ વચ્ચે જો ત્રણથી વધુ દિવસનું અંતર હશે તો લંડન (LONDON) જવા અને પાછા આવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરવી એવી માગણી કોહલી (Kohli)એ આરસીબી (RCB)ના ફ્રૅન્ચાઇઝી પાસે કરી છે.

જોકે કોહલીએ રવિવારે આ અફવા ફેલાતાં તરત જ ઇસ્ટાગ્રામ પરની સ્ટોરીમાં એકસાથે બે હસતા ઇમોજી બતાવીને અફવાને હસી કાઢવાની સાથે સાવ ખોટી સાબિત કરી દીધી હતી. કોહલીએ અફવા ફેલાવનારાઓને સંકેત આપી દીધો હતો કે કેટલાકે આ અફવાને સાચી માની લીધી હતી, પણ તમારા એ મિશનને તેણે (કોહલીએ) નિષ્ફળ બનાવી દીધું છે.
કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર વન-ડે રમે છે એટલે તે ઘણા દિવસે મેદાન પર પાછો ફરી રહ્યો છે. તેના કરોડો ચાહકો છે, પરંતુ કેટલાક લોકો મજાકિયા સ્વભાવના તેમ જ કોહલીની એકાગ્રતા તોડનારાઓ પણ હશે એટલે એમાંના જ કોઈકે કોહલી વિશે આ અફવા ફેલાવી હશે. જોકે કોહલીએ તેમને વધુ સફળ નથી થવા દીધા.
આઇપીએલમાં શનિવારે પ્રથમ મૅચ બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (સાંજે 7.30 વાગ્યાથી) બેંગ્લૂરુ અને હૈદરાબાદ વચ્ચે રમાશે.