મુંબઈઃ 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ઘણા મહિનાઓથી ક્રિકેટજગતમાં ધૂમ મચાવી રહ્યો છે ત્યારે ઘણા ક્રિકેટપ્રેમીઓના મનમાં સવાલ થતો હશે કે તે અન્ડર-19 ક્રિકેટમાં તેમ જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અનેક રેકૉર્ડ-બે્રક ઇનિંગ્સ રમ્યો હોવા છતાં કેમ તેને ભારતની મુખ્ય ક્રિકેટ ટીમમાં (ટીમ ઇન્ડિયામાં)માં નથી સમાવવામાં આવતો? જોકે એ ઇન્તેજારીનો હવે થોડા જ દિવસમાં અંત આવી જશે.
ટી-20 ક્રિકેટનો યંગેસ્ટ સેન્ચુરિયન (2025ની આઇપીએલમાં ગુજરાત વિરુદ્ધ રાજસ્થાન વતી 38 બૉલમાં 101 રન) વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI) હજી 14 વર્ષનો છે અને 27મી માર્ચે જીવનના 15 વર્ષ પૂરા કરશે. એના આગલા જ દિવસે (26મી માર્ચે) આઇપીએલની વર્ષ 2026ની સીઝન શરૂ થઈ હશે.
બિહારના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી, અમદાવાદના વેદાંત ત્રિવેદી તેમ જ વલસાડના હેનિલ પટેલ, મોડાસાના ખિલન પટેલ તેમ જ મુંબઈના આયુષ મ્હાત્રે વગેરેના ઉપયોગી યોગદાનોની મદદથી ભારતે તાજેતરમાં જ અન્ડર-19નો વન-ડે વર્લ્ડ કપ જીતી લીધો હતો.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નો નિયમ છે કે ખેલાડી 15 વર્ષ પૂરા કરે ત્યાર પછી જ તેને મુખ્ય સ્તરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મળે. બીજી રીતે કહીએ તો તે દેશની નૅશનલ ટીમમાં જગ્યા મેળવી શકે. 27મી માર્ચે વૈભવ 15 વર્ષ પૂરા કરશે. જોકે એના આગલા જ દિવસે આઇપીએલ શરૂ થઈ હોવાથી ત્યારે બે-અઢી મહિના સુધી ભારતની કોઈ જ આંતરરાષ્ટ્રીય શ્રેણી નહીં હોય એટલે વૈભવે 15 વર્ષ પૂરા કર્યા પછી પણ ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે રાહ જોવી પડશે. જોકે તેને ભારતની કોઈ ફૉર્મેટની ટીમમાં સમાવવો કે નહીં એનો આધાર સિલેક્ટરો પર રહેશે.