Wed Jun 03 2026

Logo

અમેરિકા ભારત સહિત ઘણા દેશો પર ઝીંકશે નવો ટેરિફ, જાણો શું આપ્યું કારણ?

2026-06-03 11:03:00
Author: Mayur Patel
Article Image

વૉશિંગ્ટન ડીસીઃ  ભારત અને અમેરિકા વચગાળાના વેપાર અંતર્ગત કરારનું ફ્રેમવર્ક તૈયાર થઈ ગયાની જાહેરાત કરી છે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ફરી એક વખત ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારી કરી છે. ટ્રમ્પે ભારત સહિત 54 દેશો પર 10 ટકા નવો ટેરિફ લગાવવાનો પ્લાન બનાવ્યો છે. આ પગલું ભરવા પાછળ અમેરિકાએ વિવિધ દેશોમાંથી આવતો કેટલોક સામાન બળજબરીપૂર્વકની મજૂરીથી બનાવાતો હોવાનું કારણ આપ્યું છે.

અમેરિકન સરકારે શું કહ્યું

યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, કેનેડા, મેક્સિકો, તાઈવાન, યુનાઈડેટ કિંગડમ અને કેટલાક અન્ય દેશો પર 10 ટકા વધારાનો ટેક્સ લગાવાશે. આ દેશોએ બળજબરીપૂર્વકની મજૂરી (ફોર્સ્ડ લેબર)થી બનાવેલા સામાન પર આયાત પ્રતિબંધને યોગ્ય રીતે લાગુ ન કર્યાનો અમેરિકાએ આરોપ લગાવ્યો હતો. અહેવાલ અનુસાર ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, બ્રાઝીલ અને સ્વિત્ઝર્લેન્ડ સહિત અનેક દેશો પર 12.5 ટકાનો એડિશનલ ટેક્સ લગાવાશે.

યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના રાજદૂત જૈમિસન ગ્રીયરે એક નિવેદનમાં જણાવ્યું, અમારા માટે સૌથી મહત્વૂપૂર્ણ વ્યાપારિક પાર્ટનર દેશો બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા સામાનની આયાત રોકવામાં નિષ્ફળ રહ્યા છે, જેનો અમે સ્વીકાર કરી શકતા નથી. તેનાથી અમેરિકના લોકોને વૈશ્વિક બજારમાં અસમાન હરિફાઈનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. અમારા દરેક વ્યાપારિટ પાર્ટનરે અજાણતા પર જબરદસ્તીથી મજૂરીને પ્રોત્સાહન ન મળે તે સુનિશ્ચિત કરવા પગલાં ભરવા પડશે. આ નવા ટેરિફ તાત્કાલિક લાગુ નહીં થાય. તેને લાગુ કરતા પહેલા જનતાનો અભિપ્રાય લેવામાં આવશે અને પ્રસ્તાવની સમીક્ષા કરાશે.

યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવએ જણાવ્યું હતું કે 54  દેશો બળજબરીપૂર્વકની મજૂરી (ફોર્સ્ડ લેબર) દ્વારા ઉત્પાદિત વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવામાં અને તેનો અસરકારક અમલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.  જેમાં ચીન, ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ, તાઇવાન, ઇરાક, ઇઝરાયેલ, જાપાન, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, અને યુનાઇટેડ કિંગડમ (UK) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય છ દેશો કેનેડા, ઈક્વાડોર, યુરોપિયન યુનિયન, ઈન્ડોનેશિયા, મેક્સિકો અને પાકિસ્તાન આવા પ્રતિબંધોનો અસરકારક અમલ ન કરતા હોવાનું માનવામાં આવ્યું હતું.

USTR જેમીસન ગ્રીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલી ચીજવસ્તુઓની આયાતના મુદ્દાને ઉકેલવામાં આપણા સૌથી મહત્વપૂર્ણ વ્યાપારી ભાગીદારોની નિષ્ફળતા અસ્વીકાર્ય છે. પરંતુ પ્રસ્તાવિત ટેરિફમાં ગૌમાંસ, કોફી અને અમુક ફળો તથા ડ્રાયફ્રૂટ્સ જેવી વિવિધ મુક્તિઓ આપવામાં આવી છે. કેનેડા અને મેક્સિકોની જે ચીજવસ્તુઓ ઉત્તર અમેરિકાના મુક્ત વ્યાપાર કરારનું પાલન કરે છે તેમને પણ મુક્તિ આપવામાં આવશે,તેમજ અમુક કાપડ અને વસ્ત્રોને પણ આમાંથી મુક્તિ મળશે. જાહેર જનતાને 6 જુલાઈ સુધીમાં લેખિત સૂચનો આપવા માટે જણાવાયું હતું, અને ત્યારબાદ USTR દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે.

દિલ્હીમાં છે યુએસ ટ્રેડ ટીમ

હાલ યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના અધિકારીઓની એક ટીમ ભારત સાથે વ્યાપાર વાટાઘાટો માટે નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો બંને દેશો વચ્ચે વચગાળાના વ્યાપાર કરારને આખરી ઓપ આપવા પર કેન્દ્રિત છે. આ ચર્ચાઓ ફેબ્રુઆરીમાં બંને પક્ષો દ્વારા સંમત થયેલા માળખાને અનુરૂપ છે.