મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડનવીસ વર્ષા બંગલો ખાતે મુલાકાત થઈ છે. આ મુલાકાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મુલાકાત દરમિયાન બન્ને મોટા નેતાઓ વચ્ચે ક્યા વિષયો પર વાતચીત થઈ છે એ અંગે કોઈ વિગત સામે આવી નથી. મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.
વર્ષા બંગલો ખાતે મુલાકાત
મહાવિકાસ અઘાડી સરકારમાંથી ક્યા ધારાસભ્ય પરિષદમાં જશે એ અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે.ચર્ચા એવી પણ થઈ રહી છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ઉદ્ધવ ઠાકરેને વિધાનસભા સદનમાં મોકલવા માટેની તૈયારીમાં છે. આ રાજનીતિના માહોલ વચ્ચે ચોંકાવનારા વાવડ એ સામે આવ્યા છે કે,મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક મુલાકાત થઈ હતી. વર્ષા બંગલો ખાતે થયેલી આ મુલાકાત ક્યા સંદર્ભે હતી અને બીજા ક્યા વિષયની ચર્ચા આ દરમિયાન થઈ એ અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે શુક્રવારે રાત્રીના 2 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના આવાસ વર્ષા બંગલો ખાતે મુલાકાત હેતુ પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
બન્ને નેતાઓ વચ્ચે મોડી રાતે થયેલી મુલાકાત હવે ચર્ચાનો વિષય એટલે માટે છે કારણ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે ગ્રૂપ ફરી એકવાર રાજકીય લોબીમાં સક્રિય થઈ રહ્યું છે. એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, આ મુલાકાત આગામી ચૂંટણીલક્ષી પણ હોઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી માટે કઈ બેઠક પરથી ક્યા ઉમેદવારને ચૂંટણીના મેદાને ઊતારવા એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે એવામાં ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડનવીસ વચ્ચેની મુલાકાતથી રાજકીય લોબીમાં હલચલ વધી ગઈ છે. થોડા સમય પહેલા આ બે નેતાઓ વચ્ચે મતભેદ જોવા મળ્યા હતા.
ખેંચતાણ બાદ સન્માન અપાયું
ગઠબંધન તૂટી રહ્યું છે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી. આ જ મહિનામાં સેવાનિવૃત ધારાસભ્યોનો વિદાય સમારોહ યોજાયો એમાં ઉદ્ધવ ઠાકરે અને ફડનવીસે પણ ખાસ હાજરી આપી હતી.આ વખતે પણ બન્ને વચ્ચે એક સન્માન જોવા મળ્યું હતું. હવે બન્નેની જુગલબંદી ફરી એકવાર ચર્ચાનો વિષય બની રહી છે. વર્ષ 2019માં શિવસેના અને ભાજપ વચ્ચે જોરદાર ખેંચતાણ થઈ હતી.રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મળીને ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડી સરકારની રચના કરી હતી.આનાથી ભાજપને એક મોટો ફટકો લાગ્યો હતો.પછી ફડનવીસે એક મોટો દાવ રમી પહેલા શિવસેના અને પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસને તોડીને સત્તા હાંસલ કરી લીધી.
ભાજપ વ્યૂહરચના મજબૂત કરશે
બન્ને વચ્ચે મતભેદને કારણે અનેક વિષયોની ચર્ચા થઈ હતી. હવે મોડી રાત્રે મુલાકાત કરવાની જરૂર કેમ પડી એ અંગે ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. એક સમયે જ્યાં મતભેદ હતા ત્યા હવે શાંતિ અને સન્માનની વાત તઈ એટલે ફરી રાજકારણ શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રની રાજનીતિ હાલમાં ખૂબ જ જટિલ વળાંક પર છે. આગામી વિધાન પરિષદની ચૂંટણીઓ પહેલા રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. એક તરફ મહાવિકાસ આઘાડી (MVA) ઉદ્ધવ ઠાકરેને મેદાનમાં ઉતારવા માંગે છે, તો બીજી તરફ ભાજપ પોતાની વ્યૂહરચના મજબૂત કરી રહ્યું છે.