કોલકાતા : પશ્ચિમ બંગાળના દક્ષિણ પરગણાના ટીએમસી નેતા જહાંગીર ખાનને કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જહાંગીર ખાનની સોમવારે ભારત-નેપાળ સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી. જેને આજે ડાયમંડ હાર્બર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ખંડણી અને ધાકધમકીનો ગંભીર આરોપ
પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જહાંગીર ખાન ફરાર હતો. તેના પર ખંડણી અને ધાકધમકીનો ગંભીર આરોપ છે. પોલીસ તેને શોધવા માટે સતત દરોડા પાડી રહી હતી. જ્યારે આખરે તેને ગુપ્ત માહિતીના આધારે, સોમવારે ઉત્તર બંગાળમાં ભારત-નેપાળ સરહદ નજીક ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે તેને પકડી લેવામાં આવ્યો હતો.
જહાંગીર ખાન પાસે ભાગી જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો
ઉલ્લેખનીય છે કે, કોલકાતા હાઈકોર્ટે અગાઉ જહાંગીર ખાનને ધરપકડથી વચગાળાની રાહત આપી હતી. જોકે,
26 મેના રોજ આ રાહત રદ કરવામાં આવી હતી. તેમજ કોર્ટની રાહત દૂર થયા બાદ પોલીસતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેના કારણે જહાંગીર ખાન પાસે ભાગી જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
આઇપીએસ અધિકારી અજય પાલને પુષ્પા સ્ટાઈલમાં ધમકી આપી હતી
જહાંગીર ખાન પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ફાલટામાં આઇપીએસ અધિકારી અજય પાલને પુષ્પા સ્ટાઈલમાં ધમકી આપ્યા બાદ ચર્ચામાં આવ્યો હતો. તેની પર ટીએમસી શાસન દરમિયાન ખંડણી અને ધાકધમકીના ગુનામાં સંડોવાયેલો છે.
ફાલ્ટા વિધાનસભા બેઠક માટે પુન: મતદાન યોજાયું હતું
ઉલ્લેખનીય છે કે, 29 એપ્રિલના રોજ ફાલ્ટા વિધાનસભા બેઠક માટે મતદાન દરમિયાન મોટા પાયે ઇવીએમ છેડછાડ અને ચૂંટણીમાં ગેરરીતિની ફરિયાદો સામે આવી હતી. જેના પગલે ચૂંટણી પંચે આ બેઠક માટેની ચૂંટણી રદ કરી અને 21 મેના રોજ પુન: મતદાન કરાવ્યું હતું. જેમાં ફરીથી મતદાન પૂર્વે ટીએમસી ઉમેદવાર જહાંગીર પાંડા ચૂંટણીમાંથી ખસી ગયા હતા. જ્યારે કેન્દ્રીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ યોજાયેલી ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર દેબાંશુ પાંડાએ 1,09, 021 મતોના રેકોર્ડ માર્જિન સાથે જંગી વિજય મેળવ્યો હતો. જ્યારે સીપીઆઇ(એમ) ઉમેદવાર બીજા સ્થાને રહ્યા અને ટીએમસી ઉમેદવારની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઇ હતી.