નવી દિલ્હી: દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણાથી લઈને સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસું 4 થી 5 દિવસ વહેલું પહોંચી ગયું છે, પરંતુ હજુ પણ ભારે વરસાદની રાહ જોવાઈ રહી છે. દિલ્હી-એનસીઆર (NCR) માં 12 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ છે, પરંતુ જોવાનું એ રહેશે કે શું ચોમાસું પોતાની અસર બતાવશે અને રાહત મળશે.
બીજી તરફ મુંબઈ, સુરત જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. નોઈડા, ગાઝિયાબાદ સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 7 થી 12 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 9 અને 12 જુલાઈએ વરસાદની સંભાવના છે. પૂર્વી રાજસ્થાનમાં પણ 9 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે.
ઉત્તરાખંડમાં આજની હવામાનની સ્થિતિ
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખની સાથે ઉત્તરાખંડમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડું, વીજળી પડવાની સાથે કડાકાભડાકા સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં 12 જુલાઈ સુધી વાવાઝોડું, તોફાન અને વીજળી પડવાની ચેતવણી છે. હિમાચલ પ્રદેશમાં પણ 8 થી 12 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ છે. હિમાચલમાં શિમલા, મનાલીમાં પણ ભારે વરસાદી માહોલ છે.
પંજાબ-હરિયાણામાં આજે વરસાદ
પંજાબમાં 7 થી 9 જુલાઈ અને 11-12 જુલાઈ વચ્ચે, જ્યારે હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 7 થી 9 અને ફરી 10-12 જુલાઈ વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ પૂર્વી રાજસ્થાનમાં 12 જુલાઈ સુધી સતત ભારે વરસાદ થવાની આશંકા છે. વેસ્ટ યુપી (પશ્ચિમ ઉત્તર પ્રદેશ) માં પણ આગામી 1-2 દિવસ વરસાદ પડી શકે છે. પશ્ચિમ રાજસ્થાનમાં 9 જુલાઈ દરમિયાન વાવાઝોડા અને તોફાન સાથે વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવનનો દોર ચાલશે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ભારે વરસાદ
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 7-9 જુલાઈ અને ફરી 12 જુલાઈ સુધી તેમજ પૂર્વી મધ્ય પ્રદેશમાં 10-12 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ છે. વિદર્ભમાં 9-12 જુલાઈ સુધી અને છત્તીસગઢમાં 8 થી 11 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં વાવાઝોડું ફૂંકાવાની અને વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. મુંબઈમાં પણ ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈ, ઠાણે, પાલઘર જેવા વિસ્તારોમાં સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી છે. કોંકણ અને ગોવામાં 12 જુલાઈ સુધી, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી 12 જુલાઈ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં જામનગર, સુરત જેવા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
એમપી-છત્તીસગઢમાં વરસાદ
ઝારખંડ અને તેની નજીકના ઉત્તરી ઓડિશાના વિસ્તારોમાં એક લો-પ્રેશર (દબાણનું) ક્ષેત્ર બનેલું છે. દેશના મધ્ય ભાગ એટલે કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 3 દિવસ દરમિયાન આ સિસ્ટમ સક્રિય રહેવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. છત્તીસગઢની સાથે કોંકણ, ગુજરાત અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં 7 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતની સાથે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે.