Mon Jun 01 2026

Logo

શ્યામ સમીપેઃ પાંચાલની આ રાજપુત્રી યજ્ઞવેદીમાંથી જન્મેલી...

2026-06-01 11:22:00
Author: Jyotsna Tanna
Article Image

જ્યોત્સના તન્ના

(ગતાંકથી ચાલુ)
ભારતીય સ્ત્રીઓની યુગોની વેદના, વ્યથા અને વલોપાતનું ઘનીભૂત રૂપ હોય તો તે છે દ્રૌપદી, નિયતિના ઝંઝાવાત સામે એકલી ઝઝૂમતી, લગભગ હારતી તો ક્યારેક ટકી રહેતી. પરિવારજનો પણ તેને સમજી શકયા ન હતા. પાંચાલરાજ દ્રુપદની યજ્ઞવેદીમાંથી ઉત્પન્ન પુત્રી, પાંડવોના મહાબળવાન સેનાધિપતિ દ્યુષ્ટદ્યમ્નની એકમાત્ર બહેન, આર્યાવર્તના યુગપ્રવર્તક શ્રીકૃષ્ણની અંતરંગ સખી, પાંચ મહારથીઓની પત્ની, પાંચ પુત્રોની માતા, પ્રાચીન ભારતના ગણ્યમાન્ય મહારાજ્યની ભાવિ સામ્રાજ્ઞી-બીજું શું જોઈએ? બધું જ લોકમાન્ય સૌભાગ્ય તેને મળ્યું હતું. 

પાંડવોએ શ્રીકૃષ્ણની પ્રેરણાથી અને મયની સહાયથી એક સુંદર સમૃદ્ધ નગર ઈંદ્રપ્રસ્થનું નિર્માંણ કર્યું હતું. અનેક વિજયો મેળવી પોતાની પ્રતિષ્ઠા: મેળવી હતી. અને આ ઝળહળતી રાજ્યલક્ષ્મીની અધિષ્ઠાત્રી હતી દ્રૌપદી. આમ જોઈએ તો એની પાસે બધું જ હતું અને છતાં જોઈએ તો તેનું પોતાનું કંઈ જ ન હતું.

પાંચાલની આ રાજપુત્રી યજ્ઞવેદીમાંથી જન્મેલી, અનિંદ્યરૂપા કુલીન, મનસ્વિની, કલ્યાણમયી રાજદુહિતા, સૌષ્ઠવભર્યા સર્વાંગ સુંદર અંગો, કમળ જેવી આંખો, સોહામણી ભમર, તામ્રવર્ણું મુખ, સુંદર દંતપંક્તિ, લાલ નખ, મસ્તકને શોભાવતા સુંદર વાંકડિયા વાળ-દેવક્ન્યા પણ શરમાવે તેવું ચંદ્રપ્રકાશ જેવું સૌમ્ય છતાં સૂર્યપ્રકાશ જેવું તેજસ્વી તેનું રૂપ મનમોહક હતું. તેનો રંગ શ્યામલ હતો. વૈદૂર્યમણિ જેવી કાંતિ અને શરદના નીલકમળ જેવી તે સોહામણી હતી. તેની સુગંધ એક કોસ સુધી રેલાતી. સુંદર સ્વરૂપ સાથે તે સુશિક્ષિત પણ હતી. રાજક્ધયાને અનુરૂપ ગુણોથી તે સમુદ્ધ હતી.

દ્રૌપદીનો જન્મ પણ અજબ રીતે થયો હતો. દ્રોણાચાર્યે પોતાના એક સમયના મિત્ર પાંચાલરાજ દ્રુપદે કરેલા અપમાનનો બદલો લીધો. કુરુ રાજકુમારોને ધનુર્વેદનું સંપૂર્ણ શિક્ષણ આપી ગુરુદક્ષિણા માં દ્રુપદનો પરાજય માગી લીધો. અને આ રીતે દ્રોણાચાર્યે દ્રુપદનું અર્ધું રાજ્ય લઈ તેને જવા દીધો. આ કારમા પરાભવનો બદલો લેવા દ્રુપદે બ્રહ્મર્ષિ ઉપયાજ વીનવ્યા કે દ્રોણનો વધ કરે તેવો પુત્ર થાય તેમ કરો. છેવટે તેના મોટાભાઈ યાજને સાથે લઈ મહાન યજ્ઞને પ્રબંધ કર્યો.