મસ્તરામની મસ્તી - મિલન ત્રિવેદી
કહેવાય છે કે ભારતમાં બે જ વસ્તુ ગમે ત્યારે આવી શકે છે: એક, ચોમાસામાં વરસાદ (ભલે હવામાન ખાતું ના પાડે) અને બીજા, લગ્નના વેવાઈ બનવા નીકળેલા મહેમાનો!
અમારા એક પાડોશીના ઉંમરલાયક મોહિતના ઘરમાં પણ શનિવારની ગુલાબી સાંજે આવો જ એક ચમત્કાર થયો.
દરવાજો ખખડ્યો અને મોહિતના પિતાજીએ દરવાજો ખોલ્યો. સામે બે સજ્જનો હાથમાં સરકારી લુકવાળી ફાઈલ્સ અને ચહેરા પર ગંભીરતા લઈને ઊભા હતા. બાપાએ એમના ચહેરાના ભાવ અને હાથની ફાઈલો જોઈને મનોમન ગણિત માંડી દીધું :
`બસ, આ નક્કી ચુનિયા માટે ક્નયાના પિતા અને મોટાભાઈ જ છે!'
મહેમાનો સોફા પર ગોઠવાયા. પછી શરૂ થઈ સવાલોની ઝડી અને મોહિતના સપનાની ઉડાન...
મહેમાનોએ ચશ્માં સરખા કરીને પૂછ્યું,
`મકાન તમાં પોતાનું છે?'
રઘલાએ છાતી ગજગજ ફુલાવીને કહ્યું, `હા જી, આપણા દાદાના વખતનું છે, પણ હમણાં જ નવું કલરકામ કરાવ્યું છે!'
બીજો સવાલ આવ્યો: `ઘરમાં AC કેટલા છે?'
મોહિતે ઓરડાની પાછળથી જ માથું ધુણાવીને ઈશારો કર્યો. બાપાએ તુરંત જ કહ્યું, `બે છે સાહેબ, અને ત્રીજું મોહિતના રૂમમાં લગાડવાનું વિચારીએ છીએ. છોકરાને ગરમી બહુ લાગે!'
`રૂમ કેટલા છે? વાહન કયું વાપરો છો? ઘરમાં ડેસ્કટોપ કમ્પ્યુટર છે કે લેપટોપ?' સવાલોનો સિલસિલો ચાલતો રહ્યો.
મોહિત તો અંદરના રૂમમાં અરીસા સામે ઊભો રહીને માથાના વાળ સરખા કરવા લાગ્યો. એના મનમાં શરણાઈઓ વાગવા માંડી હતી. એણે મનોમન વિચારી લીધું કે છોકરી નક્કી હાઈ-ફાઈ ઘરની લાગે છે, એટલે જ પિતાજી આટલી બારીકાઈથી `પ્રોપર્ટી'ની તપાસ કરી રહ્યા છે. મોહિતે તો મનોમન હનીમૂનનું બુકિગ પણ સ્વિટ્ઝર્લેન્ડ કરવું કે શિમલા એના પ્લાન ઘડી નાખ્યા!
અને પછી શરૂ થઈ મહેમાનોની એવી આગતાસ્વાગતા કે ઈન્દ્રદેવનું આસન સુધ્ધાં ડોલી જાય. બાપાએ રસોડામાં જઈને બાને ઓર્ડર આપ્યો, `એ સાંભળે છે? ચામાં એલચી-આદું બરાબર નાખજે અને ઓલા કાજુ-બદામવાળા બિસ્કિટ કાઢ. ઘરાક બહુ મોટું છે!'
ટેબલ પર ગરમાગરમ ચા, મમરા, વેફર અને પેંડા ગોઠવાઈ ગયા. મહેમાનોએ પણ કોઈ જાતના સંકોચ વગર નાસ્તા પર ન્યાય આપવાનું શરૂ કર્યું. મોહિત આછું મલકાતો મલકાતો સોફાની બાજુમાં આવીને બેસી ગયો. મહેમાનોએ એની સામે જોયું, પણ કંઈ પૂછ્યું નહીં, બસ ફાઈલમાં ટપકાં કરતા રહ્યા.
નાસ્તો પતી ગયો, ચાની છેલ્લી ચુસ્કી લેવાઈ ગઈ એટલે રઘલાથી હવે રહેવાયું નહીં. એમણે અત્યાર સુધી દબાવી રાખેલો અસલી સવાલ બહુ જ મીઠાશ અને ભાવથી પૂછ્યો:
`બધું તો ઠીક સાહેબ, પણ આપણી ક્નયા શું ભણી છે?'
સામે છેડે બે એક ક્ષણ માટે સ્મશાન શાંતિ છવાઈ ગઈ. બંને મહેમાનોએ ચાનો કપ ટેબલ પર મૂક્યો, એકબીજાની સામે જોયું અને પછી રઘલા સામે જોઈને બોલ્યા:
`અરે ભાઈ સાહેબ, કઈ ક્નયા? અમે તો વસતિ ગણતરી (Census) વાળા છીએ!'
આ સાંભળતાં જ મોહિતના માથા પર જાણે આકાશ તૂટી પડ્યું! સ્વિટ્ઝર્લેન્ડના બરફના પહાડો પીગળીને પાણી-પાણી થઈ ગયા. બાપાના હાથમાંથી ચાની રકાબી છૂટતા છૂટતા બચી. જે મહેમાનોને એ `વેવાઈ' સમજીને કાજુ-બદામ ખવડાવતા હતા એ તો સરકારી આંકડા ભેગા કરવાવાળા નીકળ્યા!
આ તો થઈ મોહિતના ઘરની વાત, પણ વસતિ ગણતરીવાળા જ્યારે સોસાયટીઓમાં ફરે છે ત્યારે એવા એવા કિસ્સા બને છે કે હસવું રોકી શકાતું નથી.
આવો જ એક બીજો કિસ્સો બાજુની ગલીમાં રહેતા કાનજીભાઈના ઘરે બન્યો. કાનજીભાઈ નિવૃત્ત થઈને ઘરે બેઠા-બેઠા સાંજે પાડોશના ટ્યુશનનાં બાળકોને ભણાવે. સોસાયટીના 10-12 ટાબરિયાં કાનજીભાઈના હોલમાં ગોદડાં પાથરીને ભણવા બેઠેલા.
બરાબર એ જ સમયે વસતિગણતરીના અધિકારીઓ ફાઈલ લઈને ધબધબ કરતા ઘરમાં ઘૂસ્યા. ઘરમાં બાળકોની ભીડ જોઈને અધિકારીની આંખો પહોળી થઈ ગઈ. એમણે ચશ્માંના કાચ સાફ કર્યા અને કાનજીભાઈને પૂછ્યું: `આ બધા તમારા જ છે?'
કાનજીભાઈ ગણિતના દાખલા ગણાવવામાં એટલા મશગૂલ હતા કે એમણે પાછળ જોયા વગર જ કહી દીધું, `હા, આ બધા મારા જ છે. રોજ સાંજે અહીં જ આવીને ધામા નાખે છે. આ મોટો છે એ બહુ તોફાની છે, અને ઓલી નાની છે એ બહુ હોશિયાર છે!'
અધિકારી તો ગંભીર થઈ ગયા. એમણે દેશના વસતિ વધારાના સંકટ પર મનોમન એક મોટું ભાષણ તૈયાર કરી નાખ્યું. એમણે ફટાફટ ફોર્મ ખોલ્યું અને કાનજીભાઈના નામે `કુલ સંતાનોની સંખ્યા: 12' લખી નાખી!
જો કાનજીભાઈના પત્નીએ સમયસર આવીને ચોખવટ ના કરી હોત કે, `અલ્યા ભાઈ, આ તો ટ્યુશનનાં બાળકો છે, આપણા તો બે જ છે, જે અમેરિકા સેટલ છે!'
આ ખુલાસો ન થયો હોત તો ... તો કાનજીભાઈને સરકાર તરફથી `વસતિ વધારા સમ્રાટ'નો વિશેષ એવોર્ડ મળી ગયો હોત!
જ્યારે આ લોકો પૂછે કે `ઘરમાં ગાડી છે?' ત્યારે લોકો ટેક્સ બચાવવા કે સરકારી સબસિડી મેળવવા માટે એવી એક્ટિંગ કરે છે કે જાણે એમના જેવું ગરીબ દુનિયામાં કોઈ નથી :
`ના સાહેબ, ગાડી તો શું, સાઇકલમાંય પંચર છે!' (ભલે બહાર બ્રેન્ડ ન્યૂ સ્કોડા ઊભી હોય!)
કેટલાક ઘરોમાં તો વસતિ ગણતરી વખતે પાડોશીના છોકરાઓ પણ રમતા રમતા આવી જાય તો ઘરના વડીલો એમને પણ પોતાના ગણાવી દે છે, જેથી રેશનકાર્ડમાં કદાચ બે કિલો અનાજ વધારે મળે!
મોહિતના ઘરેથી જ્યારે વસતિ ગણતરીવાળા અધિકારીઓ ફાઈલ બંધ કરીને ઊભા થયા ત્યારે મોહિતે દિલ તૂટ્યાના દર્દ સાથે પૂછ્યું
`સાહેબ, તમારી ફાઈલમાં કોઈ ક્નયાની વિગત હોય તો આપતા જાવ ને, અમારે ગણતરી સરખી થઈ જાય!'
અધિકારીએ હસીને કહ્યું, `ભાઈ, અમે માણસો ગણીએ છીએ, માંડવા નથી રોપતા!'
વિચારવાયુ
જ્યારે પણ ઘરે કોઈ અજાણ્યા મહેમાન આવીને તમારા ઘરની સુખ-સાહેબીના સવાલો પૂછે ત્યારે બહુ રાજી ન થવું. કાં તો એ વસતિ ગણતરીવાળા હશે કાં ઈન્કમટેક્સવાળા...