Tue Oct 06 2026

Logo

એટલાન્ટિક મહાસાગરમાં એર એમ્બ્યુલન્સ પ્લેન લાપતા! ATC અને પાયલટ વચ્ચે છેલ્લે શું વાત થઈ? ઓડિયો વાયરલ...

Washington DC   2026-10-04 11:36:00
Author: Vimal Prajapati
એટલાન્ટિક મહાસાગરમાં એર એમ્બ્યુલન્સ પ્લેન લાપતા! ATC અને પાયલટ વચ્ચે છેલ્લે શું વાત થઈ? ઓડિયો વાયરલ...

વોશિંગ્ટન, બોસ્ટન: બર્મુડાથી અમેરિકાના બોસ્ટન જઈ રહેલું એક મેડિકલ જેટ (એર એમ્બ્યુલન્સ) એટલાન્ટિક મહાસાગર ઉપરથી પસાર થતી વખતે અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું છે. કેનેડામાં રજિસ્ટર્ડ આ 'ગલ્ફસ્ટ્રીમ G100' જેટમાં દર્દી અને તબીબી ટીમ સહિત કુલ 6 લોકો સવાર હતા. વિમાનનો સંપર્ક તૂટતા જ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુએસ કોસ્ટ ગાર્ડે નાનટુકેટના દક્ષિણમાં દરિયામાંથી વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

વિમાનમાં કોણ-કોણ સવાર હતું?

'લેટિટ્યુડ એર એમ્બ્યુલન્સ' કંપની દ્વારા સંચાલિત આ ફ્લાઈટે શનિવારે સ્થાનિક સમયાનુસાર રાત્રે આશરે 12:41 વાગ્યે બર્મુડાના LF વાડે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોસ્ટન લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે ટેકઓફ કર્યું હતું. આમાં બે પાયલટ (ક્રૂ મેમ્બર), બે મેડિકલ સ્ટાફ, એક દર્દી અને એક દર્દીના સગા/સંબંધિત સવાર હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

માત્ર બે જ મિનિટમાં વિમાન 13,000 ફૂટ નીચે આવી ગયું

મીડિયા રિપોર્ટ્સ અને એવિએશન ટ્રેકિંગ ડેટા અનુસાર, વિમાન શરૂઆતમાં 24,000 ફૂટની ઊંચાઈ પર સફળતાપૂર્વક ઉડી રહ્યું હતું. પરંતુ મેસાચુસેટ્સ તટ પાસે આવેલા નાનટુકેટથી આશરે 80 માઈલ દક્ષિણે પહોંચતા જ વિમાનમાં કોઈ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ટેકનિકલ ખામીના કારણે માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં વિમાન 13,000 ફૂટ નીચે આવી ગયું હતું અને આશરે 10,000 ફૂટની ઊંચાઈ પર પહોંચતા જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો.

ATC અને પાયલટ વચ્ચે છેલ્લે શું વાતચીત થઈ?

રડારમાંથી ગાયબ થતાં પહેલાં એર ટ્રાફિક કંટ્રોલર અને પાયલટ વચ્ચે થયેલી વાતચીતનો છેલ્લો ઓડિયો સામે આવ્યો છે, જે વાતાવરણની ગંભીરતા દર્શાવે છે. વાયરલ ઓડિયોની વાત કરવામાં આવે તો, ATC કંટ્રોલરે પાયલટને પૂછ્યું: "રોજર, તમે એવું કહ્યું કે તમે કોઈ પણ વિઝ્યુઅલ કે ઇન્સ્ટ્રુમેન્ટ વગર ઉડી રહ્યા છો? શું તમે આ જ કહ્યું?" પાયલટનો અવાજ સ્પષ્ટ સંભળાયો ન હતો, જેના પછી કંટ્રોલરે તાત્કાલિક પૂછ્યું કે "શું ક્રૂએ ઇમરજન્સી જાહેર કરી છે?" પરંતુ આ સવાલનો જવાબ મળે તે પહેલાં જ વિમાનનો રડાર અને રેડિયો સિગ્નલ બંને સાથેનો સંપર્ક કાયમ માટે કપાઈ ગયો હતો.

 

આ સમગ્ર મામલે, રાત્રે 01:20 વાગ્યે FAA તરફથી ઈમરજન્સી મેસેજ મળતાં જ યુએસ કોસ્ટ ગાર્ડે પોતાના સર્ચ એરક્રાફ્ટ અને દરિયાઈ જહાજોને એટલાન્ટિક મહાસાગરમાં તહેનાત કરી દીધા હતા. નાનટુકેટથી 80 માઈલ દક્ષિણે સમુદ્રની સપાટી પર કાટમાળ તરતો જોવા મળ્યો છે. હાલ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ એકત્રિત કરી રહી છે અને સવાર તમામ 6 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે, આ સમગ્ર મામલે હજી સત્તાવાર કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

વધુ જુઓ...