Mon Oct 05 2026

Logo

ગીરની તર્જ પર પશ્ચિમ કચ્છના લખપતમાં આકાર પામશે ‘લાયન અને લેપર્ડ સફારી’, 275 હેક્ટરમાં વન વિભાગની આખરી તૈયારીઓ

2026-10-04 10:47:00
Author: Mumbai Samachar Team
ગીરની તર્જ પર પશ્ચિમ કચ્છના લખપતમાં આકાર પામશે ‘લાયન અને લેપર્ડ સફારી’, 275 હેક્ટરમાં વન વિભાગની આખરી તૈયારીઓ

ભુજ: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગીર અભયારણ્યની માફક હવે પશ્ચિમ કચ્છના સીમાવર્તી લખપત પંથકમાં પણ પ્રવાસીઓ માટે ‘લેપર્ડ અને લાયન સફારી’ શરૂ કરવાની દિશામાં વન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. લખપત તાલુકાના કનોજ ગામ નજીક આવેલા ધુણઈ સીમ વિસ્તારમાં એક અદ્યતન વન્યજીવ સંવર્ધન કેન્દ્ર અને જંગલ સફારી પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ હાલ ખાસ સુવિધા ધરાવતાં પાંજરાઓમાં 13 જેટલા દીપડા લાવી દેવાયા છે, જ્યારે આગામી દિવસોમાં અહીં સાવજ એટલે કે એશિયાટિક સિંહોનું પણ આગમન કરાવવાની વન વિભાગે કવાયત હાથ ધરી છે.

આ મહત્વપૂર્ણ પ્રવાસન યોજના અંગે વિગતો આપતાં નાયબ વન સંરક્ષક (ડીસીએફ) હર્ષ ઠક્કરે જણાવ્યું હતું કે, જંગલ સફારી માટેની મોટાભાગની પાયાની તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે. ધુણઈ સીમના અંદાજે 275 હેક્ટર જેટલા વિશાળ વિસ્તાર ફરતે મજબૂત ફેન્સિંગ ઊભી કરી દેવાઈ છે. આ ઉપરાંત વન્યજીવોના કુદરતી વસવાટ, યોગ્ય આહાર અને જળ વ્યવસ્થાપન માટેની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. હાલ કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય તરફથી આખરી મંજૂરીની પ્રતીક્ષા સેવાઈ રહી છે. દિલ્હીથી લીલી ઝંડી મળતાંની સાથે જ દીપડાઓને સુરક્ષિત ફેન્સિંગ ધરાવતા ખુલ્લા જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવાશે.

આ સફારી પાર્કમાં માત્ર દીપડા જ નહીં, પરંતુ ગીરની તર્જ પર ઓપન જિપ્સી સફારી મારફતે સિંહ ઉપરાંત ચિંકારા અને કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓને પણ પ્રકૃતિના ખોળે મુક્ત મને વિહરતા નિહાળી શકાય તેવું સુચારુ આયોજન ગોઠવાઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા ડાલામથ્થા સિંહોના વસવાટ અર્થે પણ અલગ વિસ્તાર નિર્ધારિત કરી દેવાયો છે. આ દરમિયાન, સહેલાણીઓની સુવિધા, માર્ગો તથા માળખાકીય સુવિધાઓના સર્વાંગી વિકાસ અર્થે રાજ્ય પ્રવાસન વિભાગ સમક્ષ રૂપિયા ૧૫ કરોડની ખાસ ગ્રાન્ટની દરખાસ્ત મૂકવામાં આવી છે. 

આ પ્રોજેક્ટ વિધિવત્ કાર્યરત થતાં જ ગીર સફારીની માફક પારદર્શક ઓનલાઇન બુકિંગ સિસ્ટમ અમલી બનશે. સાથે જ પ્રવાસીઓની સલામતી માટે તાલીમબદ્ધ ટ્રેકર્સ, સુરક્ષા ગાર્ડ અને અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા પણ તહેનાત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બિનઉપયોગી અને ગાંડા બાવળોના સામ્રાજ્ય ધરાવતા આ વેરાન પંથકને સાફ કરી વન વિભાગે 100 એકર જમીનમાં દેશી ઘટાદાર વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરી નયનરમ્ય પ્રાકૃતિક વનનું નિર્માણ કર્યું છે. સરહદી લખપત પંથકમાં આ લાયન-લેપર્ડ સફારી શરૂ થવાથી પશ્ચિમ કચ્છના પ્રવાસન ઉદ્યોગને નવું બળ મળશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની અઢળક નવી તકો ખુલશે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)