Mon Oct 05 2026

Logo

શું ભારતીયો પાકિસ્તાનીઓ કરતાં લાંબું જીવે છે? WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

2026-10-04 12:26:00
Author: Mumbai Samachar Team
શું ભારતીયો પાકિસ્તાનીઓ કરતાં લાંબું જીવે છે? WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Chat GPT Image


નવી દિલ્હી: ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય પાકિસ્તાન કરતાં વધુ છે, પરંતુ બાંગ્લાદેશ, અમેરિકા અને કેનેડાની સરખામણીમાં ભારત હજુ પાછળ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના તાજેતરના ‘ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ્સ’ મુજબ વર્ષ 2023માં ભારતમાં જન્મ સમયે સરેરાશ આયુષ્ય 71 વર્ષ હતું. જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો 68.2 વર્ષ, બાંગ્લાદેશમાં 72.7 વર્ષ, અમેરિકામાં 78.5 વર્ષ અને કેનેડામાં 81.4 વર્ષ નોંધાયો હતો. આ અહેવાલમાં વર્ષ 2000થી 2023 સુધીના આયુષ્ય, સ્વસ્થ આયુષ્ય, મૃત્યુના કારણો અને બીમારીઓના બોજ સહિતના આંકડા સામેલ છે. 

કોરોના બાદ ભારતમાં આયુષ્યમાં વધારો થયો 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોરોના મહામારી દરમિયાન ભારતમાં આયુષ્યમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2019માં ભારતીયોની સરેરાશ આયુષ્ય 70.5 વર્ષ હતું, જે 2021માં ઘટીને 68.1 વર્ષ થઈ ગયુ હતું. જોકે ત્યારબાદ સ્થિતિમાં ઝડપી સુધારો થયો અને 2022માં આ આંકડો ફરી 70.5 વર્ષ, જ્યારે 2023માં વધીને 71 વર્ષ થયો હતો. એટલે કે માત્ર બે વર્ષમાં ભારતે આયુષ્યમાં લગભગ 2.9 વર્ષ પાછા મેળવ્યા હતા. 

જોકે, લાંબું જીવન એટલે સંપૂર્ણ સ્વસ્થ જીવન એવું નથી. ભારતમાં 2023ની હેલ્ધી લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે સ્વસ્થ આયુષ્ય 60.6 વર્ષ હતું, જ્યારે 2019માં તે 60.5 વર્ષ હતું. કોરોના દરમિયાન 2021માં આ આંકડો ઘટીને 58.4 વર્ષ થયો હતો અને 2022માં સુધરીને 60.2 વર્ષ થયો હતો. એટલે સામાન્ય આયુષ્યની સરખામણીમાં સ્વસ્થ જીવનના વર્ષોમાં સુધારો ઘણો ધીમો રહ્યો છે. 

આરોગ્યને લઈને ચિંતા યથાવત 

વૃદ્ધાવસ્થાના આંકડામાં પણ થોડો સુધારો જોવા મળ્યો છે. 2019માં 60 વર્ષની ઉંમરે પહોંચેલી વ્યક્તિ વધુ 18.4 વર્ષ જીવશે તેવી અપેક્ષા હતી, જ્યારે 2023માં આ વધીને 18.8 વર્ષ થઈ હતી. જોકે આ વધારાના વર્ષોમાંથી આશરે 13.7 વર્ષ જ સારી તંદુરસ્તી સાથે પસાર થવાની અપેક્ષા હતી, જે 2019માં આ સ્વસ્થ જીવનનો આંકડો 13.4 વર્ષ હતો. 

ભારતમાં રોગની પેટર્ન બદલાઈ 

WHOના રિપોર્ટ પ્રમાણે, ભારતના રોગોના બદલાતા સ્વરૂપ તરફ પણ ધ્યાન દોરાઈ રહ્યું છે. વર્ષ 2000માં દેશમાં મૃત્યુના ટોચના 10 કારણોમાં સંક્રામક બીમારીઓનો હિસ્સો આશરે 62 ટકા હતો, જ્યારે નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCDs) એટલે કે હૃદયરોગ, સ્ટ્રોક અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો હિસ્સો લગભગ 34 ટકા હતો. 2023 સુધીમાં સ્થિતિમાં મોટો ફેરફાર થયો અને ટોચના 10 મૃત્યુકારણોમાં NCDsનો હિસ્સો વધીને લગભગ 75 ટકા, જ્યારે સંક્રામક બીમારીઓનો હિસ્સો ઘટીને માત્ર 16 ટકા રહ્યો, અને બાકીના મૃત્યુ ઈજાઓને કારણે થયા હતા.