Wed Jul 29 2026

Logo

અલખનો ઓટલોઃ ભારતીય સંસ્કૃતિમાં સપ્તમ અંક...

2026-07-13 09:59:00
Author: Dr. Niranjan RajyaGuru
Article Image

ડૉ. નિરંજન રાજ્યગુરુ

અંગ્રેજી સાતમો મહિનો જુલાઈ ચાલી રહ્યો છે એ બહાને આજે મારે આપણી ભારતીય સંસ્કૃતિમાં સાતના અંકનું શું મહત્ત્વ છે એની થોડીક વાતો કરવી છે. શાસ્ત્રગ્રંથોમાં સાત સમુદ્રના ઉલ્લેખો આવે છે. શ્રીરોદ, ઈક્ષુરસોદ, સુધોદ, ઘૃતોદ, ધિરોદ, ક્ષુમોદ અને દધિમરોદ. તો સાત દ્વીપ એટલે કે બેટનાં નામ પણ મળે છે. જંબુ દ્વીપ, પ્લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, કૃસ દ્વીપ, ક્રૌંચ, શાક દ્વીપ અને  પુષ્કર દ્વીપ. સાત પાતાળ- અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ.

સપ્તર્ષિના સાત ૠષિઓ- કશ્યપૠષિ, ભારાજ ૠષિ, વશિષ્ઠૠષિ, વિશ્વામિત્રૠષિ, જમદગ્નિૠષિ , ગૌતમૠષિ અને અત્રિૠષિ.  
સાત લોક છે- ભૂર્લોક, ભૂવ:ર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક અને સત્યલોક઼.

અગ્નિદેવની સપ્ત જીહ્વા કે જીભ- કરાલી જીહ્વા, ભૂમિની જીહ્વા, શ્વેતા જીહ્વા, લોહીતા જીહ્વા,  નિલલોહીતા જીહ્વા, સુવર્ણા જીહ્વા અને પદ્મરાગા જીહ્વા  અથવા તો- કાલી-કરાલી- મનોજવા- સુલોહિતા- ધુમ્રવર્ણા-સ્ફુર્લિંગીની-વિશ્વરૂપી - ઉગ્રા -પ્રદિપ્તા.

સંત સાધકોની નૂરત સુરતની સાધના પણ મેઘધનુષ્યના સાત રંગ કે સપ્તરંગી ધ્વજા- જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો-લાલ રંગ દ્વારા આંખની સાધના તથા સંગીતના સાત સૂર સા,રે,ગ,મ,પ,ધ,નિ વડે કાનની સાધનાના સંકેતો આપે છે. 

આ શરીરને સંતો સપ્ત ધાતુકા પિંજરા તરીકે ઓળખાવે છે. યોગની પણ સાત ભૂમિકા હોય છે- શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્ત્વાપત્તિ,અસંસક્તિ,પદાર્થભાવિની અને તુર્યગા.

શરીરના છ ચક્રોની સાધના મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત,વિશુદ્ધ, આજ્ઞા ઉપર સાતમું સહસ્રાર ચક્ર આવે છે. તો ષડ દર્શન ઉપરનું સાતમું દર્શન તે અધ્યાત્મ કે આત્મદર્શન તરીકે ઓળખાય છે. 

તો વ્યવહાર જીવનમાં સપ્તાહના સાત દિવસ, સાતવાર -શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર અને આ દિવસોમાં આહારમાં આવે સાત ધાન્યનો ખીચડો-  ઘઉં, ચોખા કે જવ,, જુવાર, અડદ, મગ, તલ અને કાંગની સાથોસાથ ષડ રસ ભોજનના ખાટો, ખારો, તીખો, કડવો, તૂરો, મિષ્ટ કે મીઠો, ઉપરાંતનો સપ્તમ રસ અમીરસ.

નવલાં નોરતાંનું સાતમું શક્તિ સ્વરૂપ એટલે ‘કાલરાત્રિ’. નવદુર્ગાની સાતમી શક્તિ કાલરાત્રિ એના નામ પ્રમાણે જ ઉગ્રરૂપ ધારણ કરીને ભયાનક સ્વરૂપે પોતાના ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. સંપૂર્ણ શ્યામ વર્ણ ધરાવતાં આ દૈવી સ્વરૂપને ચાર હસ્ત છે. જેમાં બે હાથોમાં ખડ્ગ અને અંકુશ તથા બે હાથોમાં વરમુદ્રા અને અભયમુદ્રા પ્રદાન કરે છે. ગધેડા ઉપર સવાર થયેલાં આ દૈવી સ્વરૂપને ત્રણ નેત્રો છે, વાળ વિખરાયેલા છે, ગળામાં વીજળી જેવી ચમક્તી મોતીની માળા ધારણ કરી છે, એના શ્વાસ ઉચ્છવાસમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટે છે. દેખાવમાં અત્યંત ભયંકર હોવા છતાં એનું એક નામ ‘શુભંકરી’ પણ છે. 

સાતમા દિવસે જ્યારે સાધક ભક્તનું ચિત્ત સહસ્રાર ચક્રમાં સ્થિર થાય ત્યારે દેવીના આ સ્વરૂપની કૃપા તેના ઉપર ઉતરે છે અને બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આવાહન - આસન - પાદ્ય - અર્ધ્ય - આચમન - સ્નાન- વસ્ત્ર- ઉપવિત - ગંધ - પુષ્પ - ધૂપ - દીપ - નૈવેદ્ય - પ્રદક્ષિણા - નમસ્કાર અને પુષ્પાંજલિ એમ સોળ ઉપચારથી કોઈપણ દેવી-દેવતાની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. 

પૂજાના પણ ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. સાત્ત્વિક પૂજા - નિષ્કામભાવે આડંબર વિના શુદ્ધભક્તિથી કરવામાં આવતી પૂજા. રાજસિક પૂજા - સકામભાવે આડંબર સહિત કરવામાં આવતી પૂજા અને તામસિક પૂજા -તામસ પદાર્થોને લઈને કોઈપણ જાતની ભૌતિક સિદ્ઘિઓની અપેક્ષાઓ સાથે થતી પૂજા.

ગરૂડ પુરાણમાં શ્ર્લોક છે. 
સત્યેન રક્ષ્યતે ધર્મો, વિદ્યા યોગેન રક્ષ્યતે,
મૃજયા રક્ષ્યતે પાત્રં, કુલં શીલેન રક્ષ્યતે.

સત્યના પાલનથી ધર્મની રક્ષા થાય છે. સદા અભ્યાસ કરવાથી વિદ્યાની રક્ષા થાય છે. પાત્રની રક્ષા કાયમ માંજવાથી થાય છે અને કુળની રક્ષા અણીશુદ્ધ શીલ-ચારિત્રથી જ થાય છે.

અસ્થિરં જીવિતં લોકે અસ્થિરં ધન યૌવનમ્
અસ્થિરં પુત્ર દારાદ્યં ધર્મ: કીર્તિ યશ: સ્થિરમ્.

સંસારમાં પ્રાણીનું જીવન અસ્થિર છે કોઈ અમર નથી. એનું ધન, યૌવન, નારી, સંતાનો અને સંસાર નાશવંત છે પરંતુ એમનો ધર્મ, એમણે મેળવેલ યશ કે કીર્તિ અજર અમર રહેવાના છે. પણ બીજાને ઉપદેશ દેવામાં માણસો બહુ ચાતુરી દાખવે છે, પણ પોતાના જીવનમાં સ્વયં એ જ વાતનું આચરણ કરનારા દુર્લભ હોય છે. એટલે જ કબીર સાહેબ કહે છે - 

કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ્બ,
પલમેં પરલૈ હોયગી, બહુરિ કરેગા કબ્બ.
અવસર બિતી જાયગા, ફિર કરેગા કબ્બ ?