Wed Jul 29 2026

Logo

માનસ મંથનઃ જેનો કોઈ આદિ કે અંત નથી એ છે ભગવાન જગન્નાથ

2026-07-13 09:09:00
Author: Morari Bapu
Article Image

મોરારિબાપુ

आदि अंत कोउ जासु ना पावा|
मति अनुमानि निगम अस गावा ॥

ભગવાન જગન્નાથની આ પાવન ભૂમિમાં આપ સૌને મારા પ્રણામ. ભગવાન જગન્નાથની મહત કૃપાથી આજે આપણે અહીં રામકથા માટે એકત્રિત થયાં છીએ. એમની કૃપા ન હોય તો અહીં આવવું શક્ય ન બને. પૂરા જગતની તે રક્ષા કરે છે. ભારતની પૂર્વ દિશાના આ ધામમાંથી સત્સંગ દ્વારા ફરી કોઈ કિરણ ફૂટે, કોઈ નવો સૂરજ નીકળે જે વ્યક્તિના ચિદાકાશમાં, વ્યક્તિના અંત:કરણમાં જનમ જનમથી જે અંધકાર છે તેમાંથી આપણને મુક્ત કરે. 

આ પંક્તિઓ ‘રામચરિતમાનસ’માં ભગવાન શિવ પાર્વતીજી સમક્ષ બોલે છે. જેમાં મારી સમજ અનુસાર ભગવાન જગન્નાાથજીનું સ્વરૂપ, સ્વભાવ, એમની ગતિ વગેરેનું એક ગુપ્ત વર્ણન પડ્યું છે. જગન્નાાથ કેવા હોવા જોઈએ? માણસ પોતાના ઘરનો નાથ પણ નથી બની શકતો. પોતાના સમાજનો નાથ બનવું પણ મુશ્કેલ છે. તો આ તો પૂરા વિશ્વનો નાથ છે !

 શિવજી ભવાનીને કહે છે કે ભવાની, જેને તમે દંડકવનમાં મનુષ્ય રૂપમાં જોયા હતા એ જ ભગવાને રામ અવતાર લીધો છે. મનુષ્ય રૂપમાં આવેલા એ ભગવાનનો આદિ અને અંત આજ સુધી કોઈ પામી નથી શક્યું અને અનંત કાળ સુધી કોઈ નહીં પામી શકે. વેદોએ પણ પોતાની બુદ્ધિના અનુમાનથી થોડું કહ્યું કે ભગવાન આવા છે,આવા છે પણ અંતમાં તો નેતિ કહીને તે પણ રોકાઈ જાય છે. 

કોનો આદિ અને અંત ન પામી શકાય? એવી કઈ ચીજ છે? જેનો કોઈ આદિ કે અંત નથી,આ તો બિલકુલ ગણિત જેવી વાત થઈ. જેનો કોઈ આદિ નહીં તેનો કોઈ અંત નહીં. અને જેનો કોઈ આરંભ નથી તેનું કોઈ વિસર્જન નથી. સીધું ગણિત છે. કોઈનો જન્મ થાય તો તેનું મૃત્યુ થાય છે. અહીંથી આપણે પણ નવ દિવસ પછી ચાલ્યા જશું. તો શાસ્ત્રીય બોલીમાં કહું તો એવો કયો પદાર્થ છે જેનો કોઈ આદિ-અંત નથી? એક ગામડાનો માણસ પણ કહી દેશે કે તે તો ફક્ત ભગવાન જ હોય ! એવું તત્ત્વ તો પરમાત્મા હોય,એ તો બ્રહ્મ હોય. ત્રણ પદાર્થ છે જેનો કોઈ આદિ નથી,અંત નથી.

હું તમારું ધ્યાન ચાહું છું મારાં ભાઈ-બહેનો. વિષય જરા કઠિન છે, ક્લિષ્ટ છે. સમજાવવા માટે અલગ છે, વસ્તુત:તો એક જ તત્ત્વ છે. એક જ મીણમાંથી બનેલી ત્રણ મીણબત્તીઓ જેવી વાત છે. એક છે ઈશ્વર, બ્રહ્મ. હવે ઈશ્વર અને બ્રહ્મમાં પણ અર્થ કરવામાં ભેદ છે. પરંતુ ઈશ્વર, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન આ બધાં તત્વત:એક જ છે. આ બ્રહ્મ તત્ત્વ એવું છે જેનો કોઈ આદિ કે અંત નથી. શ્વેતકેતુને ઉદ્દાલકે કહ્યું કે આ વૃક્ષનું ફળ છે તેને તોડ. તોડે છે. બોલે શું દેખાય છે? કહે તેમાં એક બીજ છે. 

ઉદ્દાલકે કહ્યું તે બીને તોડ. શું દેખાય છે? કહે કંઈ નથી દેખાતું. બીજનો આદિ અને અંત છે. ફળનો આદિ અને અંત છે. શાખાઓનો આદિ-અંત છે પરંતુ બીજને તોડતાં તોડતાં જે છેલ્લે નથી દેખાતું તે તત્ત્વ છે. માનો યા ન માનો, વૈજ્ઞાનિકોએ અણુ-પરમાણુની શોધ માટે છાંદોગ્ય ઉપનિષદની મદદ લીધી હશે. તોડતાં તોડતાં એક ક્ષણ એવી આવી કે શ્વેતકેતુએ કહ્યું કે હવે આમાં કંઈ નથી દેખાતું. ત્યારે કહ્યું કે જે કંઈ નથી દેખાતું તે તું છે. હું નહીં, તું તત્ત્વ. તું અને હુંનો ભેદ જ્યાં મટી જાય છે ત્યાં આ શ્રુતિ આવે છે. 

તોડતાં તોડતાં મતિ અનુમાન કરે છે. આંખો રોકાઈ જાય છે. ચિત્તનું ચિંતન પણ રોકાઈ જાય છે. કંઈ સમજમાં નથી આવતું અને પછી કહેવું પડે છે કે ‘કોઈ અદૃશ્ય’ છે ! જેમાંથી પૂરું વટવૃક્ષ થયું હતું તેનો આદિ-અંત છે પણ જે નથી દેખાતું તેને ઉપનિષદ બ્રહ્મ-પદાર્થ કહે છે. આપ તો સમજો છો, પરંતુ હું કેવળ મને સમજાવવા માટે બોલી રહ્યો છું. તો,એક છે બ્રહ્મ તત્ત્વ. જેને તમે પરમાત્મા કહો, ઈશ્વર કહો, ભગવાન કહો, ચાહે જે કહો તે. તેનો કોઈ આદિ કે અંત નથી. 

બીજું જે તત્ત્વ છે જેનો કોઈ આદિ કે અંત નથી તે છે-સત્ય. સત્યનો કોઈ આદિ કે અંત નથી. સત્ય ક્યારે પેદા થયું? છે કોઈની પાસે તારીખ ? આઇન્સ્ટાઇન ક્યારે જન્મ્યા તેની તારીખ મળે પણ એમણે જે સત્ય શોધ્યું તે સત્ય ક્યારે પેદા થયું તેની કોઈ તારીખ મળે ખરી? પતંજલિની જન્મ તારીખ મળે. કેટલાં વર્ષો પહેલાં એમણે કહ્યું હતું કે, લટ્ટ્રૂ પ્રુટશ્ર્વળ્રૂળપ રુઇૃંરૂળ થબળહ્રૂ। એમણે જે સત્યની ઘોષણા કરી તેની કોઈ તારીખ ન મળે ! સત્ય એક એવો પદાર્થ છે જેનો કોઈ આદિ કે અંત નથી. બ્રહ્મ જરા કઠિન પડે છે પણ આપણને સત્યનો તો અનુભવ છે જ. ભલે આપણે અસત્ય બોલીએ પણ અનુભવ તો છે જ. સત્ય કશુંક છે તેવું તો જાણીએ છીએ. દીપ્તિ મિશ્રનો એક શેર છે-

કિસી કો ભી સચ કિ જરૂરત નહીં,
હમ હીં સીરફિરે હૈ કિ સચ બોલતે હૈ.

કોને પડી છે સત્યની? તો,સત્યને કોઈ પ્રગટ કરે તેની તારીખ કદાચ મળે પણ સત્યનો કોઈ આદિ-અંત નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ તો બહુ પહેલાથી હતો. બ્રહ્મ અને સત્ય આ બે નથી એક જ છે. ચાહે સત્યને પકડો કે બ્રહ્મને પકડો. 

મારાં ભાઈ-બહેનો, પ્રેમનો પણ કોઈ આદિ કે અંત નથી. અમે ફલાણી તારીખે પ્રેમ કર્યો હતો એ તો બોલચાલની ભાષા છે. કોઈ તારીખ નિમિત્ત બની પરંતુ પ્રેમની ધારા તો જનમ જનમથી વહે છે. પ્રેમ અનંત છે. નામ અનંત છે. મારી સમજ મુજબ પ્રેમ સત્યનો પર્યાય છે. ગાંધીજીએ કહ્યું સત્ય પરમાત્મા છે. જિસસે કહ્યું,પ્રેમ પરમાત્મા છે. પ્રેમનો કોઈ આદિ કે અંત નથી. 
સંકલન: જયદેવ માંકડ 
(માનસ-જગન્નાથ,પૂરી,ઓરિસ્સા,2002)