થાણે: થાણે જિલ્લામાં કાર લઇને જનારું ક્ધટેઇનર મંગળવારે મળસકે ટ્રક સાથે અથડાયું હતું, જેમાં બંને વાહનના ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતને કારણે ટ્રકમાંથી ડ્રમ રસ્તા પર પડ્યા હતા અને તેમાંનો રંગ ઢોળાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
શિળફાટા ખાતે ભોલેનાથ નગરમાં મંગળવારે મળસકે 3.16 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. કંપનીની સાત કાર સાથેનું ક્ધટેઇનર ગુજરાતથી પુણે જઇ રહ્યું હતું ત્યારે ઘટનાસ્થળે તેના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે ક્ધટેઇનર આગળ જઇ રહેલી ટ્રક સાથે અથડાયું હતું, એમ થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ કહ્યું હતું.
ભિવંડીના માનકોલીથી છ ટન રંગ ભરેલા ડ્રમ લઇને ટ્રક રાયગડ જિલ્લાના ખાલાપુર જઇ રહી હતી. આ અકસ્માત બાદ ડ્રમ રસ્તા પર પડ્યા હતા અને રંગ રસ્તા પર ઢોળાયો હતો, જેને કારણે માર્ગ લપસણો થયો હતો અને ટ્રાફિક ખોરવાયો હતો.
અકસ્માતની જાણ થયા બાદ પોલીસ અધિકારીઓ, અગ્નિશમન દળના જવાનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માતમાં બંને વાહનના ડ્રાઇવર ઇજા પામ્યા હતા.
થાણે-શિળફાટા માર્ગ પર વાહનવ્યવહાર થોડા સમય માટે ધીમી ગતિએ ચાલ્યો હતો. રેસ્ક્યુ ટીમે રસ્તા પર ઢોળાયેલા રંગ પર માટી નાખી હતી. રસ્તો ત્યાર બાદ સાફ કરી દેવામાં આવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત્ થઇ ગયો હતો. (પીટીઆઇ)