Fri May 29 2026

Logo

થાણેમાં વિચિત્ર અકસ્માત: છ વાહન એકબીજા સાથે અથડાતાં એક જખમી

2026-05-04 17:29:24
Author: Yogesh C Patel
Article Image

થાણે: થાણેમાં બ્રિજના ઢોળાવ પર થયેલા વિચિત્ર અકસ્માતમાં છ વાહન એકબીજા સાથે અથડાયાં હતાં. આ ઘટનામાં ચાર વાહનને નુકસાન થયું હતું અને ટેમ્પો ડ્રાઈવર જખમી થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની બપોરે 1.47 વાગ્યે નાશિક-મુંબઈ રોડ પર નીતિન કંપની બ્રિજ ખાતે બની હતી. અકસ્માતમાં ઘવાયેલા ટેમ્પો ડ્રાઈવર શેખ શાબીર મહમૂદ (22)ને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

થાણેના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે થાણેની દિશામાં નીતિન કંપની બ્રિજ પરથી નીચે ઊતરતી વખતે એક વાહનના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ વાહને આગળ જઈ રહેલી કારને ટક્કર મારી હતી. પછી તો એક પછી એક પાંચેક વાહન આગળના વાહન સાથે ટકરાયાં હતાં.

છ વાહન એકબીજા સાથે ટકરાયાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં ટેમ્પોને સૌથી વધુ નુકસાન થયું હતું, જેના ડ્રાઈવર મહમૂદના હાથ અને પગને ગંભીર ઇજા થઈ હતી.

અકસ્માતગ્રસ્ત અન્ય વાહનોમાં ટેમ્પો, કાર અને એસયુવીનો સમાવેશ થાય છે. બે વાહનને ખાસ કોઈ નુકસાન થયું ન હોવાથી ડ્રાઈવર વાહન સાથે ઘટનાસ્થળેથી રવાના થયા હતા. થાણે પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)