થાણે: થાણેમાં ઘરેલું વિવાદમાં ગળું દબાવીને પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિને પોલીસે નવી મુંબઇના પનવેલથી ઝડપી પાડ્યો હતો. નૌપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અભય મહાજને જણાવ્યું હતું કે આરોપીની ઓળખ નરેશ કલમસિંહ ખડકા (32) તરીકે થઇ હોઇ તેને ગુનો આચર્યાના 24 કલાકમાં પનવેલથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
નૌપાડા પોલીસ સ્ટેશનની હદમાં આગાખાન વાડી વિસ્તારમાં રહેતા નરેશ ખડકાએ શુક્રવારે વહેલી સવારે તેની પત્ની હિમા ખડકાની હત્યા કરી હતી અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો. હિમા મૃત અવસ્થામાં મળી આવતાં પડોશીએ તાત્કાલિક પોલીસને તેની જાણ કરી હતી.
આથી નૌપાડા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને હિમાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયા બાદ આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા)નો ગુનો દાખલ કરીને નરેશ ખડકાની શોધ ચલાવી હતી.
દરમિયાન આરોપી પનવેલમાં હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ત્યાં રવાના થઇ હતી અને તેને ઝડપી પાડ્યો હતો. (પીટીઆઇ)