(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મહારાષ્ટ્ર દિવસની શુક્રવારે ઊજવણી નિમિત્તે થાણે મહાનગરપાલિકાની હદમાં પહેલી ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાને આ બસમાં પ્રવાસ પણ કર્યો હતો. થાણે શહેરમાં પહેલી ઈ-ડબલ ડેકર બસને કારણે થાણેવાસીઓની સફર વધુ આરામદાયક બનશે. 3
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે શુક્રવારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ડબલ-ડેકર બસમાં ૬૫ યાત્રીના બેસવાની વ્યવસ્થા છે, તો ૩૩ વધારાના પ્રવાસીઓ ઊભા પ્રવાસ કરી શકે છે. હાલ આ બસ તીન હાથનાકાથી ગાયમુખના રૂટ પર દોડશે. આ ઈલેક્ટ્રિક બસ હોવાથી પર્યાવરણપૂરક બસ રહેશે.
આગામી દિવસોમાં વધુ નવ એસી બસનો સમાવેશ કરવામાં આવવાનો છે. તો થાણે પરિવહન સેવા અંતર્ગત ૧૦ ડબલ-ડેકર બસ થાણેમાં દોડાવવામાં આવશે એવી જાહેરાત થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે કરી હતી. થાણે પાલિકાના પરિવહન વિભાગને પીએમ-ઈ-બસ યોજના અંતર્ગત ૧૦૦ એસી ઈલેક્ટ્રિક બસને પણ મંજૂરી મળી ગઈ છે.