થાણે: થાણેની કોર્ટે 2021માં થયેલી હત્યાના કેસમાં ત્રણ જણને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ તેમના આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો અને મુખ્ય સાક્ષીઓએ પણ ફરિયાદ પક્ષને ટેકો આપ્યો નહોતો. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે સોમવારે આ આદેશ આપ્યો હતો.
ફરિયાદ પક્ષે આરોપ કર્યો હતો કે થાણેના કલવા વિસ્તારમાં આરોપીઓએ 3 ડિસેમ્બર, 2021ના રોજ દારૂના સેવન અંગેના નાણાકીય વિવાદમાં ગુલાબ શેખ પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો, જેમાં શેખનું મૃત્યુ થયું હતું.
જોકે આરોપીઓએ તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા હતા. ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષે ખબરી, મેડિકલ ઓફિસર, બે સાક્ષીદાર અને તપાસકર્તા અધિકારી સહિત આઠ લોકોને ચકાસ્યા હતા. કોર્ટને ફરિયાદ પક્ષના કેસમાં નોંધપાત્ર ખામીઓ જણાઇ હતી. બંને કથિ સાક્ષીદારોએ પણ ફરિયાદ પક્ષને ટેકો આપ્યો નહોતો. કોર્ટને કથિત હથિયારની જપ્તી અંગેના પુરાવા પણ નબળા જણાયા હતા.
કોર્ટે અવલોકન કર્યું હતું કે ઉપરોક્ત તમામ પાસાંઓને ધ્યાનમાં લેતાં એવું કહીં શકાય નહીં કે ફરિયાદ પક્ષ આરોપીઓને ગુનાને પુરવાર કરવામાં સફળ રહ્યો છે. કોર્ટે આકાશ કિસન પલાસ (25), ફૈઝલ ફૈયાઝ ખાન (27) અન સની ધાનુ સોનકર (30)ને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. (પીટીઆઇ)