Sun Jun 14 2026

Logo

થાણે કોર્ટે જેલના અધિકારીઓ પર હુમલાના કેસમાં કેદીને નિર્દોષ જાહેર કર્યો

2026-06-13 17:06:27
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે સેન્ટ્રલ જેલમાં 2017માં અધિકારીઓ પર હુમલો કરવાના કેસમાં સેશન્સ કોર્ટે પચીસ વર્ષના કેદીને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે.
એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે 11 જુલાઇએ આપેલા ચુકાદામાં અરમાન નફીસ ખાનને ભારતીય દંડસંહિતાની કલમ 353, 332 અને 506 હેઠળના આરોપમાંથી મુક્ત કર્યો હતો.

તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર અરમાન ખાને 2 માર્ચ, 2017ના રોજ થાણે સેન્ટ્રલ જેલની હાઇ-સિક્યુરિટી બેરેકમાં જેલના અધિકારી સંભાજી પિસે સહિત ત્રણ જણ પર ધાતુની પટ્ટીથી હુમલો કર્યો હતો. સેશન્સ જજ તપાસકર્તા પક્ષના કેસમાં ઘણી ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું અને નોંધ્યું હતું કે કથિત ઘટના જેલની અંદર બની હતી અને ત્યાં ઘણા કેદીઓ હાજર હતા, છતાં મહત્ત્વપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.

ખબરી અને અન્યોએ આરોપીની મારપીટ કરી હતી તેમ જ આ બધા સામે કાર્યવાહી ન કરવા માટે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, એવો આરોપીનો બચાવ સાવ નકારી ન શકાય, એવું નિરીક્ષણ કરતાં કોર્ટે ઉમેર્યું હતું કે આરોપીને થયેલી ઇજાઓ અંગે જેલ સત્તાવાળાઓ યોગ્ય સ્પષ્ટતા કરી શક્યા નહોતા.

તપાસ અધિકારીએ માગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પૂરા પાડવામાં જેલ સત્તાવાળાઓની નિષ્ફળતા અને તેને ઘટનાસ્થળની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં વિલંબ અંગે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. (પીટીઆઇ)