Thu Apr 30 2026

Logo

પિતરાઈ બહેનની જાતીય સતામણી: કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો

2026-04-30 19:00:47
Author: Yogesh C Patel
Article Image

થાણે: સગીર વયની પિતરાઈ બહેનની જાતીય સતામણી અને ધમકી આપવાના કેસમાં વિશેષ અદાલતે 23 વર્ષના આરોપીને નિર્દોષ છોડ્યો હતો. પીડિતા અને ફરિયાદ પક્ષના મુખ્ય સાક્ષીઓ પોલીસ કેસને આધાર આપવામાં નિષ્ફળ ગયા હોવાની નોંધ કોર્ટે કરી હતી.

ફરિયાદ પક્ષે આરોપ કર્યો હતો કે ઘટના 18 નવેમ્બર, 2018ના રોજ બની હતી. તે સમયે 14 વર્ષની સગીરાને પિતરાઈ ભાઈ એક રિક્ષામાં લઈ ગયો હતો અને પછી તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. પછી લગ્નનો ઇનકાર કરશે તો તેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આરોપીએ સગીરાને આપી હતી.

ખટલા દરમિયાન પીડિતા અને તેના પરિવારના સભ્યોએ ફેરવી તોળ્યું હતું. પોક્સો ઍક્ટ હેઠળના કેસોની સુનાવણી કરતા સ્પેશિયલ જજ પ્રેમલ એસ. વિઠલાણીએ 27 એપ્રિલે આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ સ્કૂલ રેકોર્ડ્સ અને જન્મના દાખલાને આધારે ઘટના સમયે પીડિતા સગીર વયની હોવાનું પુરવાર કરી શક્યો છે, પણ કથિત ગુનાની પાયાની વાસ્તવિકતાઓ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે.

ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે પીડિતા, તેનો પિતરાઈ ભાઈ અને તેની દાદી જેવા મુખ્ય સાક્ષીદારોએ ઘટના વિશે જાણકારી આપી નહીં. તેથી ફરિયાદ પક્ષ તેનો કેસ પુરવાર કરવામાં સફળ થયો છે, એવું કહી શકાય  નહીં. પીડિતાની સાક્ષીનો સંદર્ભ આપતાં કોર્ટે જણાવ્યું હતું કે પીડિતાએ પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપ્યું નથી. ખાસ કરીને તેણે ઘટનાને જ નકારી કાઢી. તેની દાદીએ ઊલટતપાસ દરમિયાન કબૂલ્યું હતું કે પોતે નિરક્ષર છે અને તેને જે કહેવામાં આવ્યું હતું તેને આધારે તેણે ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઈ)