Wed Aug 19 2026

Logo

તપાસ એજન્સીના અધિકારીના સ્વાંગમાં સાયબર ઠગે 86 લાખ રૂપિયા પડાવ્યા

2026-07-30 19:33:46
Author: Yogesh C. Patel
Article Image

થાણે: આતંકવાદી પ્રવૃત્તિમાં બૅન્ક ખાતાનો ઉપયોગ થયો હોવાનું કહીને સરકારી તપાસ એજન્સીના અધિકારીઓના સ્વાંગમાં સાયબર ઠગે બદલાપુરના રહેવાસી પાસેથી 86.49 લાખ રૂપિયા પડાવ્યા હતા. બદલાપુર પૂર્વ પોલીસના જણાવ્યા મુજબ કથિત ઠગાઈ 18 અને 19 જુલાઈએ થઈ હતી.

અજાણ્યા સાયબર ઠગે વીડિયો અને વૉઈસ કૉલ્સથી 58 વર્ષના ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઑફ ઈન્ડિયા અને નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ તરીકે આપી હતી.

આરોપીઓએ દાવો કર્યો હતો કે ફરિયાદીની ઓળખનો ઉપયોગ કરીને નાશિકમાં એક બૅન્ક ખાતું ખોલવામાં આવ્યું છે, જેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે ફન્ડિંગ માટે કરાયો છે. આ માટે ફરિયાદીને કમિશન મળ્યું હોવાનો આક્ષેપ કરી આરોપીએ ધરપકડનો ડર બતાવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

ઑડિયો અને વીડિયો કૉલ્સથી સતત નજર રાખતા આરોપીથી ફરિયાદી ડરી ગયો હતો. આરોપીએ જણાવેલાં ત્રણ બૅન્ક ખાતામાં ફરિયાદીએ 86.49 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
બાદમાં પોતાને છેતરવામાં આવ્યો હોવાની જાણ થતાં ફરિયાદીએ બુધવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બદલાપુર પૂર્વ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)