Wed Jul 29 2026

Logo

મુંબઈમાં ક્યારે યોજાશે ટીમ ઈન્ડિયાની ભવ્ય વિજય પરેડ? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપી મહત્વની અપડેટ...

2026-03-09 17:45:54
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ આઠમી માર્ચના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવીને દેશભરમાં હોળી બાદ દિવાળી જેવો માહોલ સર્જી દીધો છે. આ બધા વચ્ચે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની 'વિક્ટરી પરેડ' (Victory Parade) ક્યારે યોજાશે, તેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા હતી એનો જવાબ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. આવો જોઈએ ક્યારે યોજાશે ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ... 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જિત માટે શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય પ્રેસ કોન્ફરમાં મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ ક્યારે યોજાશે એનો જવાબ પણ આપ્યો હતો. સીએમ ફડણવીસે જણાવ્યું હતું કે ટી20 વર્લ્ડકપ જિતેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના સ્વાગત માટે મુંબઈ સજ્જ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિજય પરેડના આયોજન અંગે માહિતી આપી છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિક્ટરી પરેડ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમની આ જીત સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કરવા માટે મુંબઈમાં એક ભવ્ય વિજય પરેડ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. તેમણે એવો અંદાજો પણ આપ્યો હતો કે ટીમ ઈન્ડિયા દિલ્હીથી જેવી મુંબઈ પાછી આવશે કે તરત જ તેમની વિક્ટરીનું સેલિબ્રેશન કરવામાં આવશે. 

વાત કરીએ વિક્ટરી પરેડના રૂટની તો સૂત્રોના જણાવ્યા અનુસાર, 2007 અને 2024ની જેમ જ આ વખતે પણ વિજય પરેડ મુંબઈના મરીન ડ્રાઈવથી શરૂ થઈને વાનખેડે સ્ટેડિયમ સુધી યોજાઈ શકે છે. વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે, જ્યાં બીસીસીઆઈના પદાધિકારીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહેશે. જોકે, આ બાબતે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી. 

મુંબઈ પોલીસને આ ભવ્ય ઈવેન્ટ માટે કડક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા સૂચના આપવામાં આવી છે. લાખોની સંખ્યામાં ચાહકો ઉમટી પડવાની શક્યતાને જોતા ટ્રાફિક મેનેજમેન્ટ અને ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે.