Fri Apr 17 2026

Logo

તમિલનાડુમાં  SIRની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ, 74 લાખ નામ દૂર કરાયા...

2026-02-23 22:35:05
Author: Chandrakant Kanoja
Article Image

ચેન્નાઈ: દેશમાં ચૂંટણી પંચ દ્વારા  મતદાર યાદી સુધારણા માટે  SIRની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં તમિલનાડુના આજે SIR પછી  અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ  અંતિમ મતદાર યાદીમાંથી 74 લાખ લોકોના નામ દૂર  કરવામાં આવ્યા  છે. 

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં યોજાશે 

તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી અર્ચના પટનાયકે રાજ્યમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદીની જાહેરાત કરી હતી. આ અંતિમ મતદાર યાદી અનુસાર  તમિલનાડુમાં 74 લાખથી વધુ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં યોજાવાની છે. ચૂંટણી પંચ માર્ચમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શકયતા છે. તેથી  મતદાર યાદીમાંથી આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થવા મોટી ઘટના માનવામાં આવી રહ્યા છે. 

તમિલનાડુમાં મતદારોની સંખ્યા ઘટીને 5.67 કરોડ થઈ

તમિલનાડુમાં SIR પ્રક્રિયા શરૂ થતા પૂર્વે  27 ઓક્ટોબર, 2025 ના રોજ મતદારોની સંખ્યા 6. 41 કરોડ  હતી. જયારે હવે, 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ જાહેર કરાયેલ અંતિમ SIR મતદાર યાદી અનુસાર, તમિલનાડુમાં મતદારોની સંખ્યા ઘટીને  5.67 કરોડ  થઈ છે. રાજ્યમાં મતદાર યાદીમાંથી  74 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા છે. જે મતદારોને અંતિમ મતદાર યાદી સામે વાંધો હોય તેઓ અંતિમ યાદી જાહેર થયા પછી અધિકારીઓનો સંપર્ક કરી શકે છે . ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે અંતિમ યાદી પણ શેર કરી  છે. 

રાજ્યમાં 2.7 કરોડ પુરુષ અને 2.8 કરોડ મહિલા મતદારો 

તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરેલી યાદી મુજબ મતદાર યાદીમાં 2. 7 કરોડ  પુરુષો, 2.8 કરોડ  મહિલાઓ અને 7,617  ત્રીજી -જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ચેંગલપટ્ટુ જિલ્લાના શોઝિંગનલ્લુર વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ 5.36 લાખ મતદારો છે. હાર્બર વિધાનસભા મતવિસ્તારમાં સૌથી ઓછા 1.16 લાખ મતદારો છે.