Thu Jun 18 2026

Logo

કોલકાતા અને અમદાવાદમાં વર્લ્ડ કપની ટિકિટ ખરીદનારાઓને મળી રિફન્ડની ખાતરીઃ જાણો છો, શા માટે?

2026-02-24 22:27:22
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ આઇસીસીએ ભારત અને શ્રીલંકામાં પોતાના બૅનર હેઠળ ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપને લગતી મહત્ત્વની જાહેરાત કરી હોવાનું પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું.

પાંચમી માર્ચની બીજી સેમિ ફાઇનલ વાનખેડેમાં રમાવાની છે. જોકે ચોથી માર્ચની પ્રથમ સેમિ ફાઇનલ (ફ્લૉટિંગ વૅન્યૂ અરેન્જમેન્ટ તરીકે) કોલંબો અથવા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રાખવાનું નક્કી હોવાથી તેમ જ આઠમી માર્ચની ફાઇનલ માટે અમદાવાદ પણ લિસ્ટમાં હોવાથી જાહેરાત એ કરવામાં આવી છે કે જો સેમિ ફાઇનલ (Semi final)માં કે ફાઇનલમાં પાકિસ્તાન પહોંચ્યું હશે તો એ મૅચ માટેના આ બે નિયત સ્થળ (કોલકાતા અને અમદાવાદમાં)ની ટિકિટ ખરીદનારાઓને પૂરું રિફન્ડ (Refund) આપી દેવામાં આવશે.

ઑનલાઇન ટિકિટોનું વેચાણ મંગળવારે સાંજે 7.00 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. જો પાકિસ્તાન સેમિ ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે તો તેઓ ચોથી માર્ચે કોલંબોમાં સેમિ રમશે એટલે કોલકાતાના ટિકિટધારકોને પૂરું રિફન્ડ મળી જશે.

જો પાકિસ્તાન સેમિમાં નહીં જાય અને શ્રીલંકા જશે અને એની સેમિ ભારત સિવાયના કોઈ દેશ સામે હશે તો એ સેમિ કોલંબોમાં રમાશે. જો સેમિમાં ભારત-શ્રીલંકા સામસામે આવશે તો એ સેમિ (ચોથી માર્ચે) કોલકાતામાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં નહીં પહોંચ્યું હોય તો એ ફાઇનલ અમદાવાદમાં રમાશે એ નક્કી છે. જો પાકિસ્તાન ફાઇનલમાં જશે તો એ મૅચ કોલંબોમાં રમાશે અને અમદાવાદના ટિકિટધારકોને પૂરું રિફન્ડ મળી જશે.