Thu Jun 18 2026

Logo

શનિવારથી સુપર-એઇટના સુપર-મુકાબલાઃ કોલંબોમાં વરસાદ

colambo   2026-02-20 20:05:34
Author: Ajay Motiwala
Article Image

પહેલા જંગમાં પાકિસ્તાન કોલંબોમાં કિવીઓની રાહ જુએ છેઃ મેઘરાજા પણ ઝલક બતાવશે તો નવાઈ નહીં

કોલંબોઃ પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવાની જાહેરાત સાથે અનેક નાટક કર્યા પછી કરોડો રૂપિયાનું ભંડોળ ગુમાવવું પડી શકે એવી ભીતિ બદલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સામે ઘૂંટણિયા ટેકવ્યા ત્યાર બાદ હવે સલમાન અલી આગાના નેતૃત્વમાં રમતી એની ક્રિકેટ ટીમ માટે ખરાખરીનો ખેલ શનિવારે શરૂ થઈ રહ્યો છે.

આઠ દેશ વચ્ચેના સુપર-એઇટ રાઉન્ડમાં શનિવારે પાકિસ્તાનનો પ્રથમ મુકાબલો (સાંજે 7.00 વાગ્યાથી) ન્યૂ ઝીલૅન્ડ સામે છે. કોલંબોમાં શુક્રવારે સારો વરસાદ પડ્યો અને શનિવારે પાકિસ્તાન-ન્યૂ ઝીલૅન્ડની મૅચ પહેલાં તથા મૅચ દરમ્યાન પણ વરસાદ પડવાની આગાહી છે.

આ બન્ને દેશ સુપર-એઇટના ગ્રૂપ-ટૂમાં છે. આ ગ્રૂપની ટીમો વાય-1, વાય-2, વાય-3 અને વાય-4 તરીકે ઓળખાય છે. એવી જ રીતે ગ્રૂપ-વનમાં ચાર ટીમ એક્સ-વન, એક્સ-ટૂ, એક્સ-થ્રી અને એક્સ-ફોર તરીકે ઓળખાશે. એમાં ભારત એક્સ-વન છે.

આ જ મેદાન પર ભારત સામે પાકિસ્તાન હારેલું

લીગ રાઉન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની મૅચો ચેન્નઈ અને અમદાવાદમાં રમાઈ હતી, જ્યારે પાકિસ્તાને તમામ મૅચો કોલંબોમાં રમી હોવાથી કોલંબોના હવામાન વિશે પાકિસ્તાન (Pakistan)ની ટીમને ઘણી જાણકારી છે. જોકે પાકિસ્તાન ચારમાંથી ત્રણ મૅચ કોલંબોના એસએસસી ગ્રાઉન્ડમાં રમ્યું હતું અને શનિવારની મૅચ કોલંબોના જ આર. પ્રેમદાસા ગ્રાઉન્ડ પર રમાવાની છે જ્યાં પાકિસ્તાને ભારત સામે 114 રનમાં આઉટ થઈને જોરદાર પછડાટ ખાવી પડી હતી.

તારિક સામે કિવીઓની પરીક્ષા

જોકે બન્ને દેશ સ્પિનર્સ પર મદાર રાખવાના આશયથી ટીમમાં બને એટલા સ્પિનર્સને સમાવશે. પાકિસ્તાન પાસે સ્ટૉપ-સ્ટાર્ટની વિચિત્ર બોલિંગ-ઍક્શનવાળો ઉસ્માન તારિક તેમ જ અબ્રાર અહમદ, શાદાબ ખાન, સઇમ અયુબ અને મોહમ્મદ નવાઝ છે. કિવીઓની ફોજમાં ઇશ સોઢી જોડાશે તો ટીમની સ્પિન-ક્ષમતા ઘણી વધી જશે. સોઢીને આ વખતના વર્લ્ડ કપમાં હજી સુધી નથી રમવા મળ્યું. કિવી પાસે કૅપ્ટન મિચલ સૅન્ટનરના રૂપમાં મુખ્ય સ્પિનર તેમ જ પાર્ટ-ટાઇમ સ્પિનરો રચિન રવીન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ પણ છે.