Thu Jun 18 2026

Logo

IND vs SA: અમદાવાદમાં જામશે ચેમ્પિયન અને રનરઅપ વચ્ચે જંગ! જાણો પિચ રિપોર્ટ અને આંકડા

2026-02-22 10:38:00
Author: Savan Zalariya
Article Image

અમદાવાદ: ICC મેન્સ T20 વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજની શરૂઆત થઇ ગઈ છે, આજે ગત T20 વર્લ્ડ કપની ચીમ્પિયન ટીમ ભારત અને રનરઅપ ટીમ દક્ષીણ આફ્રિકા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે, સેમિફાઇનલમાં એન્ટ્રી માટે આ મેચ ખુબજ મહત્વની છે. 

સુપર-8 સ્ટેજમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેની પહેલી મેચથી મેચ છે. બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં અજેય રહી હતી, એવામાં ક્રિકેટ ચાહકો એક રસાકસી ભરી મેચની આશા રાખી રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ આજની મેચના પરિણામ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

પિચ રિપોર્ટ:
સામાન્ય રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને T20 ફોર્મેટ માટે અનુકુળ માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં પણ આ પીચ સારી રહી છે, પિચથી બેટર અને બોલર બંનેને સમાન ફાયદો મળી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી આ પીચ પર ચાર મેચો રમાઈ છે, જેમાંથી બેમાં પહેલા બેટિંગ કરવાવાળી ટીમે જીત મેળવી છે.

આજની મેચ કાળી માટીની પીચ પર રમાશે, આ પીચ થોડી ધીમી હોઈ શકે છે, જેનાથી સ્પિનર્સને મદદ મળી શકે છે.
T20 વર્લ્ડ કપ 2026માં આ મેદાન પર રમાયેલી આઠમાંથી સાત ઇનિંગ્સમાં 175 કે તેથી વધુનો સ્કોર નોંધાયો છે. આ મેદાન પર પહેલા બેટિંગ કરવી આદર્શ માનવાનમાં આવે છે, પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 190 છે. ગ્રુપ સ્ટેજમાં આ મેદાન પર દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ડબલ સુપર ઓવર થઇ હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20I રેકોર્ડ્સ:
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી 12 T20I મેચ રમાઈ છે, જેમાંથી 8માં (66.67%) પહેલા બેટિંગ કરતી ટીમે જીત મેળવી છે, જયારે 4 (33.33%) મેચ બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરતી ટીમે જીત મેળવી છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 234/4 રહ્યો છે, જ્યારે સૌથી ઓછો સ્કોર 66/10 રહ્યો છે. આ મેદાન પર સૌથી મોટો રન ચેઝ 178/3 રહ્યો છે.

IND vs SA હેડ-ટુ-હેડ:
T20Iમાં  દક્ષિણ આફ્રિકા સામે ભારતનો દબદબો રહ્યો છે, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 35 T20I મેચ રમાઈ છે, જેમાં 21 મેચમાં ભારતે જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકાએ 13 મેચમાં જીત મેળવી છે, જ્યાર એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.  

અમદાવાદમાં હવામાન કેવું રહેશે?
આજે અમદાવાદનું હવામાન સ્વચ્છ રહેશે, વરસાદની શક્યતા નહિવત છે, ચાહકોને આખી મેચ જોવા મળશે. આજે અમદાવાદમાં ઉચ્ચતમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.