Sun Jul 12 2026

Logo

સુરતમાં પૂરને લીધે સૌથી જૂના ટેક્સટાઈલ્સ પ્રોસેસિંગ ક્લસ્ટરને અસર

2026-07-12 16:07:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ કુદરતી આફતોની અસર લાંબા સમય સુધી ચાલતી હોય છે. સુરતમાં વરસેલા અનરાધાર વરસાદ અને ઊભી થયેલી પૂરની સ્થિતિની અસર ઘણા વેપાર-ધંધા પર પડી છે, જેમાં ટેક્સટાઈલ્સ ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. 
ગુજરાતના સૌથી જૂના ઔદ્યોગિક વસાહતોમાંના એક અને ભારતમાં ટેક્સટાઈલ્સ પ્રોસેસિંગના શરૂઆતી કેન્દ્રોમાંના એક, પાંડેસરા જીઆઈડીસી એસ્ટેટમાં 51 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું શટડાઉન જોયું છે, તેમ વેપારીસૂત્રોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું. 

પાંડેસરા જીઆઈડીસી 1975માં શરૂ થયું અને હાલમાં 129 ટેક્સટાઈલ્સ પ્રોસેસિંગ યુનીટ્સ ધરાવે છે. આ તમામ યુનીટ્સ 7મી જુલાઈથી વરસાદના પાણી ફેક્ટરીઓના પ્રાંગણમાં ઘુસી જવાથી બંધ છે. પૂરને કારણે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે પ્રોસેસિંગ માટે ખૂબ મહત્વનું છે તેને ભારે નુકસાન થયું છે. 

ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સેપ્ટને નુકસાન થયું છે, જેના કારણે માત્ર મુખ્ય  કામગીરી જ નહીં પરંતુ આવશ્યક માળખાગત સુવિધાઓને પણ અસર થઈ છે. પૂરમાં ફર્નિચર, કમ્પ્યુટર અને મશીનરીને મોટું નુકસાન થયું છે.

સમારકામ, સફાઈ બાદ સીઈપીટી ફરીથી કાર્યરત થઈ ગયું, પણ પ્રોસેસિંગ યુનિટ હજુ પણ ફરી શરૂ થઈ શકતા નથી કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જરૂરી શુદ્ધ પાણી (ટ્રિટેડ વૉટર)પૂરું પાડવામાં અસમર્થ છે. નિયમિત પાણી પુરવઠો ક્યારે શરૂ થશે તે સ્પષ્ટ નથી, તેમ અમુક વેપારીસૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે સુરત મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની પ્રાથમિકતા છે. ડિંડોલી ખાતે ટ્રિટમેન્ટ પ્લાન્ટ પૂરને કારણે બંધ કરવામાં આવ્યો છે. તે ચાલુ થશે, ત્યારબાદ ઉદ્યોગોને પાણી પહોંચાડવામાં આવશે. અન્ય જીઆઈડીસીમાં પણ પૂરને કારણે કામને અસર થઈ છે.
 
રાજ્ય સરકારે વહેલીતકે વેપારીઓને મદદરૂપ બને તેવા પેકેજ આપવાની જાહેરાત કરી છે.