( મુંબઈ સમાચાર ટીમ)
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'મિશન ફાઈવ મિલિયન ટ્રી' અંતર્ગત અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. 405 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
101 ઑક્સિજન પાર્ક તથા 155 એસી ઈલેક્ટ્રિક BRTS-AMTS બસનું લોકાર્પણ
સાયન્સ સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઑક્સિજન પાર્ક તથા 155 એસી ઈલેક્ટ્રિક BRTS-AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
The Mission Five Million Trees Mega Plantation Drive commenced from Vigyan Bhavan, Science City in the esteemed presence of Hon'ble Union Home Minister Shri Amit Shah, Hon'ble Chief Minister Shri Bhupendrabhai Patel and other dignitaries.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 12, 2026
The inauguration of 101 Oxygen Parks,… pic.twitter.com/SVz07QgjlE
એક જ દિવસમાં 1,25,93,513 વૃક્ષો રોપ્યા
કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં પર્યાવરણના સંરક્ષણ અને પૃથ્વીના સંવર્ધન માટે એક અભૂતપૂર્વ 'જન અભિયાન' હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક જ દિવસમાં 1,25,93,513 વૃક્ષો રોપવાનું કાર્ય પૂર્ણ કરીને એક નવો વિક્રમ સ્થાપવાની નેમ વ્યક્ત કરી હતી.
ત્રણેય લોકસભામાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહત્ત્વાકાંક્ષી અભિયાન
આ સાથે જ અમદાવાદના ત્રણેય લોકસભા વિસ્તારોમાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહત્ત્વાકાંક્ષી અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે જેના માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની સરાહના કરી, માત્ર ત્રણ મહિનામાં અશક્ય લાગતી આ કામગીરી પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ અને ગાંધીનગરમાં લાખો વૃક્ષોના વાવેતરથી ગ્લોબલ વોર્મિંગના પડકારોને નાથવામાં મદદ મળશે, તાપમાન નીચું આવશે, ભૂગર્ભ જળની સપાટી ઊંચી આવશે, જીવસૃષ્ટિને આશ્રયસ્થાન મળશે અને આવનારી પેઢીઓને હરિત વિશ્વની ભેટ આપણે આપીશું. @AmitShah pic.twitter.com/3i5eXDX94M
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 12, 2026
સંસદીય વિસ્તારોના પણ 28,544 નાગરિકોએ આ સંકલ્પ લીધો
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 'એક પેડ માં કે નામ' આહ્વાનથી પ્રેરાઈને આ અભિયાન હવે એક જન આંદોલન બની ગયું છે. માત્ર ગાંધીનગર લોકસભાના 1,37,812 નાગરિકોએ પોતાની સોસાયટીમાં પાંચ-પાંચ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો છે. જ્યારે અમદાવાદ શહેરના અન્ય સંસદીય વિસ્તારોના પણ 28,544 નાગરિકોએ આ સંકલ્પ લીધો છે.
આ વૃક્ષો આવનારી અનેક પેઢીઓને છાંયડો આપશે
આ તમામ વૃક્ષોમાં ગોરસ આંબલી, સીસમ, વડ, પીપળો જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. જે પ્રત્યેક વૃક્ષ ઓછામાં ઓછું 100 વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવે છે. આમ, આજે રોપેલાં આ વૃક્ષો આવનારી અનેક પેઢીઓને છાંયડો આપશે.

BRTS દેશની એકમાત્ર સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બસ સેવા બની
તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ 11.23 ટકાથી વધારીને 20 ટકા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વાયુ પ્રદૂષણ ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન રોકવા માટે નવી 80 BRTSની અને 75 AMTSની ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ BRTS દેશની એકમાત્ર સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બસ સેવા બની છે.
વધતાં જતાં કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરી
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધતાં જતાં કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા માટે વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ માટે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી. જેથી વધતાં તાપમાન અને ઓઝોન સ્તરના નુકસાન સામે આવનારી પેઢીઓને રક્ષણ મળી શકે.