Sun Jul 12 2026

Logo

રામ મંદિર દાન વિવાદ: ટ્રોલર્સને અનુપમ ખેરે આપ્યો જવાબ, લોકોએ ઝાટકણી કાઢી

2026-07-12 16:53:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના મામલા પર આપવામાં આવેલા નિવેદન બાદ બોલીવુડ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેમના નિવેદન પર કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ હવે અભિનેતા કોઈનું નામ લીધા વગર એક પછી એક પોસ્ટ શેર કરી ટીકાકારોને જવાબ આપ્યો હતો. 

નિવેદન શું હતું?
હાલમાં જ એક ઇન્ટરવ્યૂની વાતચીત દરમિયાન અનુપમ ખેરે કહ્યું હતું કે રામ મંદિર દાન ચોરીનો મામલો 'નાની વાત છે'. અનુપમ ખેરના મતે ઇતિહાસમાં મંદિરોને તોડવામાં આવ્યા હતા, લૂંટવામાં આવ્યા અને હિંદુઓ પર થયેલા અત્યાચારો આનાથી મોટા મુદ્દા છે. અનુપમ ખેરના જણાવ્યા મુજબ મંદિરોમાં લૂંટ ત્યારે થઈ હતી, જયારે મુઘલોએ આપણા મંદિર તોડ્યા હતા, બ્રાહ્મણોની હત્યા કરી, જયારે મંદિરોના પૈસા લૂંટી લેવામાં આવ્યા અને મહિલાઓ સાથે અત્યાચારો થયા તે મોટી વાત હતી. જો આપણે એ દુઃખમાંથી પસાર થઈ શકીએ તો આ તો ખૂબ નાની વાત છે. આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં તેમની પ્રતિક્રિયા અંગે લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી.

ક્રિપ્ટિક પોસ્ટથી જવાબ આપ્યો 
હવે ટ્રોલિંગ વચ્ચે અનુપમ ખેરે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મેસેજ શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું, ઈમાનદાર માણસની સૌથી મોટી સંપત્તિ તેની નીડરતા હોય છે. જેના મનમાં ચોર નથી, તેની ક્યારેય નજર ઝૂકતી નથી. આ પોસ્ટને લોકો ટ્રોલર્સને આપવામાં આવેલો તેમનો સીધો જવાબ માની રહ્યા છે.  

એટલું જ નહીં, ત્યાર બાદ અનુપમ ખેરે અન્ય બીજી એક લાંબી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે 'લોકપ્રિય થવું સારું લાગે છે. પરંતુ દરેકની પસંદગીના વ્યક્તિ બની રહેવાનો પ્રયાસ આપણને પોતાનાથી દૂર કરી દે છે. મેં શીખ્યું છે કે સૌથી મહત્વનું છે કે પોતાની નજરોમાં સારું વ્યક્તિ બની રહેવું. બાકી દુનિયાના મતો સમય સાથે બદલતા રહે છે. તમારી દુનિયામાં કેટલા લોકો છે, જેના મતો હકીકતમાં મહત્વના છે. ક્યારેક એ સંદર્ભમાં વિચારજો. દુનિયામાં લોકપ્રિય બનવાની કોશિશ કરશો નહીં, તે જરૂરી પણ નથી અને યોગ્ય પણ નથી, જય હો'.

અનુપમ ખેરે આ પોસ્ટમાં કોઈનું નામ લીધું નહોતું, પણ સોશિયલ મીડિયા પર તેમના ટીકાકારોને આપેલા જવાબ માનવામાં આવી રહ્યા છે. ચાહકો પણ આ પોસ્ટ પર જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમુક લોકો અભિનેતાને સાથ આપી રહ્યા છે, તો કેટલાક યુઝર્સનું માનવું છે કે આ પોસ્ટ હાલના વિવાદ બાદ થયેલી ટીકાઓનો જવાબ છે. બીજી તરફ કેટલાક આ પોસ્ટ પર નિરાશા વ્યક્ત કરતા કહી રહ્યા છે કે અનુપમ ખેરથી આવા નિવેદનની આશા નહોતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુપમ ખેર ટૂંક સમયમાં 'ખોસલા કે ઘોસલા 2'માં જોવા મળશે. તેઓ અયોધ્યા મંદિર પર બનનારી ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જોકે, હાલમાં તેમની ફિલ્મો કરતા વધુ તેમના નિવેદનના કારણે તેઓ સોશિયલ મીડિયા પોસ્ટની ચર્ચાનો વિષય બન્યા છે.