Sun Jul 12 2026

Logo

પુત્રવધૂને શારીરિક-માનસિક ત્રાસ આપવા, જાદુટોણા કરવાનો આરોપ: ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ સાંસદ વિનાયક રાઉત, તેના પુત્ર અનેઅન્ય પાંચ સામે ગુનો

2026-07-12 18:08:53
Author: Yogesh D. Patel
Article Image

થાણે/મુંબઈ: પોતાની પુત્રવધૂને શારીરિક-માનસિક અને આર્થિક રીતે ત્રાસ આપવા ઉપરાંત તેના પર જાદુટોણા કરવાના આરોપસર શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સાંસદ વિનાયક રાઉત અને તેના પુત્ર તેમ જ અન્ય પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં વિનાયક રાઉતના પુત્ર જિતેશ ઉર્ફે ગિતેશથી અલગ થયેલી તેની પત્ની ગિરિજા રાઉતે (38) નોંધાવેલી ફરિયાદને આધારે 10 જુલાઇના રોજ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા માનવ બલિ અને અન્ય અમાનવીય, શયતાની અને આઘોરી કૃત્યો તેમ જ કાળો જાદુ પ્રતિબંધ અને નાબૂદી ધારાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ફરિયાદ અનુસાર રાઉત પરિવાર જાણતો હતો કે ગિતેશ શારીરિક સંબંધ જાળવી શકતો ન હોવા છતાં તેનાં લગ્ન ડિસેમ્બર, 2017માં ગિરિજા સાથે કરવામાં આવ્યાં હતાં.

ગિરિજાએ આક્ષેપ કર્યો હતો કે ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, કેનિયા અને થાઇલેન્ડમાં ફરવા માટે ગયા ત્યારે શારીરિક સંબંધ નહીં રાખવા માટે પ્રશ્ર્ન પુછાતાં ગિતેશે ગાળાગાળી અને મારપીટ કરી હતી. તેને એમ કહેવામાં આવ્યું હતું કે બહારી અવરોધો તેમના માર્ગને અવરોધી રહ્યા છે.

તેણે જણાવ્યું હતું કે બે સ્વઘોષિત ગૉડમૅન સહિત અનેક લોકોએ અવરોધ દૂર કરવાને નામે વિવિધ અભદ્ર કૃતિઓ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે સાસુએ માસિક અટકાવવા માટે બળજબરીથી ગોળીઓ ખવડાવી હતી, જેનાથી પોતાના સ્વાસ્થ્યને તીવ્ર અસર થઇ છે. નિષ્ણાતોએ ઘરેલું ગર્ભાધાનનું સૂચન કરવાને બદલે યોગ્ય ઉપચાર નકારીને તબીબી બેદરકારીને આધીન કરાવી હતી, એવો આરોપ ફરિયાદમાં કરાયો હતો.

દરમિયાન તમામ આરોપ નકારતાં રાઉતે જણાવ્યું હતું કે ગિતેશ અને ગિરિજા વચ્ચે છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. બે પાર્ટીઓના વકીલો વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. ગિરિજાએ ટેરેસ સાથેનો ત્રણ બીએચકે ફ્લેટ, ઓટોમેટિક કાર તેમ જ માસિક બે લાખ રૂપિયા ભરણપોષણ અને પતાવટની રકમ તરીકે પાંચ કરોડ રૂપિયાની માગણી કરી છે. અમે કોઇ પણ માગણી સ્વીકારી નથી, એમ રાઉતે કહ્યું હતું.

રાઉતે વધુમાં કહ્યું હતું કે ગિરિજાએ સતામણીની નવી નોટિસ મોકલી છે, જેમાં માસિક પાંચ લાખ રૂપિયા ભરણપોષણ, 10 કરોડ રૂપિયા અને ભાવનાત્મક આઘાત માટે બે કરોડ રૂપિયાની માગણી કરી છે. અમે તેના પર કોઇ જાદુટોણા કર્યો નથી. તમામ આરોપ ખોટા છે અન મને અને મારા પરિવાર પર દબાણ લાવવા માટે તે કરાયા છે, એમ તેમણે જણાવ્યું હતું.

(પીટીઆઇ)