Sat Aug 29 2026

Logo

ભારતની બોલરે નવો ઇતિહાસ રચ્યોઃ લૉર્ડ્સના પ્રતિષ્ઠિત બોર્ડ પર લખાયું નામ

London   2026-07-12 18:25:44
Author: Ajay Motiwala
ભારતની બોલરે નવો ઇતિહાસ રચ્યોઃ લૉર્ડ્સના પ્રતિષ્ઠિત બોર્ડ પર લખાયું નામ

લંડનઃ ઇંગ્લૅન્ડનું લૉર્ડ્સ (Lord's)નું સ્ટેડિયમ ક્રિકેટના મક્કા તરીકે ઓળખાય છે અને આ ઐતિહાસિક સ્ટેડિયમના મેદાન પર પહેલી જ વખત મહિલાઓની ટેસ્ટ મૅચ રમાઈ રહી છે જેમાં ભારતની પેસ બોલર ક્રાંતિ ગૌડે શનિવારે ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં પાંચ વિકેટની જે સિદ્ધિ મેળવી એ બદલ તેનું નામ લૉર્ડ્સ ઑનર્સ બોર્ડ પર ચમકી ગયું છે. આ બોર્ડ પર પોતાનું નામ અંકિત કરાવનાર તે પ્રથમ મહિલા બોલર છે.

ખ્યાતનામ બોલર્સ સાથે જોડાયું નામ

લૉર્ડ્સમાં મહિલા ટેસ્ટમાં એક દાવમાં પાંચ વિકેટની ઉપલબ્ધિ મેળવનાર ક્રાંતિ ગૌડ (Kranti Goud) પ્રથમ મહિલા બોલર છે. તેનું નામ વિશ્વભરના પ્રતિષ્ઠિત બોલર્સમાં અને ખાસ કરીને ભારતના 14 જાણીતા બોલર્સ સાથે જોડાઈ ગયું છે. આ બોર્ડ પર (ભૂતકાળમાં ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી ચૂકેલા) કપિલ દેવ, બિશનસિંહ બેદી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઇશાન્ત શર્મા વગેરે બોલર્સની નીચે લખાયું છે.

પરિવાર સાથે વીડિયો-સંપર્કથી સેલિબે્રશન

ક્રાંતિ ગૌડને લૉડ્સના સત્તાધીશો તરફથી લૉર્ડ્સ ઑનર્સ બોર્ડ પર નામ લખવા આમંત્રિત કરાઈ હતી. ક્રાંતિએ પહેલાં તો પરિવારનો વીડિયો-કૉલિંગથી સંપર્ક કર્યો હતો અને પછી માર્કર પેનથી બોર્ડ પર પોતાના હાથે `2026...ક્રાંતિ ગૌડ...ઇન્ડિયા' એવું લખ્યું હતું. આ પ્રસંગે ભારતની સમગ્ર મહિલા ટીમની ખેલાડીઓ તેમ જ કોચિંગ સ્ટાફના મેમ્બર્સ હાજર હતા અને તેમણે તાળી પાડીને ક્રાંતિની આ સિદ્ધિને વધુ યાદગાર બનાવી હતી. પછીથી સત્તાધીશોએ એ હાથે લખેલી વિગતમાં 5-37 (37 રનમાં પાંચ વિકેટ) એવું ઉમેરીને બોર્ડ પર તેનું નામ અન્ય બોલર્સની જેમ વ્યવસ્થિત રીતે લખવાનું નક્કી કર્યું હતું.

ક્રાંતિ ગૌડ વિશે જાણો...

બાવીસ વર્ષની ક્રાંતિ ગૌડ મધ્ય પ્રદેશના ઘુવારા ગામની છે અને આવા અજાણ્યા ગામની છોકરીનું નામ લૉર્ડ્સના ટેસ્ટ ક્રિકેટ માટેના પ્રતિષ્ઠિત બોર્ડ પર આવી જાય એ ભારત માટે બહુ મોટું ગૌરવ કહેવાય. રાઇટ-આર્મ મિડિયમ પેસ બોલર ક્રાંતિ ગૌડને ભારત વતી કુલ 33 આંતરરાષ્ટ્રીય મૅચ રમવાનો અનુભવ છે. તે હાલમાં ભારતની સૌથી આધારભૂત પેસ બોલર્સમાં ગણાય છે.