ગ્વાલિયર: દેશમાં સતત સાયબર ફ્રોડના કેસો વધી રહ્યા છે. તેવા સમયે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સાયબર ઠગોએ 70 વર્ષના સીએને પણ 21 કરોડનો ચૂનો લગાવ્યો છે. તેમની પાસેથી ઓનલાઇન રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર સેલે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
દિવ્યા નામની યુવતીના ફોન કોલથી સમગ્ર ફ્રોડની શરૂઆત
આ અંગે મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સના મુખ્ય રિટર્નિંગ ઓફિસર અને સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક વિજયવર્ગીયને એક યુવતી દિવ્યાના ફોન કોલથી સમગ્ર ફ્રોડની શરૂઆત થઇ હતી.જેમાં તેમને ઓનલાઈન ટ્રેડિંગ અને USDT માં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી.
મોટું વળતર ચૂકવીને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા
જેમાં શરૂઆતમાં ઓછા રોકાણે મોટું વળતર ચૂકવીને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જેની બાદ તેમણે ધીરે ધીરે કરીને રોકાણ વધાર્યું હતું. જયારે તેમણે આ રકમ પરત મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે અલગ અલગ બહાના કરીને આરોપીએ તેમને રોક્યા હતા.જેની બાદ તેમને ખ્યાલ આવ્યો કે તે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. આ અંગેની ફરિયાદ બાદ રાજ્ય સાયબર સેલે અજાણ્યા આરોપીઓ વિરુદ્ઘ કેસ નોંધ્યો છે.
₹21.06 કરોડની છેતરપિંડી
આ અંગે રાજ્ય સાયબર સેલના ડીએસપી સંજીવ નયન શર્માએ જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ સાથે સંકળાયેલા સાયબર કૌભાંડમાં વિજયવર્ગીય સાથે ₹21.06 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
ત્રણ વોટ્સએપ નંબર અને 20 બેંક એકાઉન્ટની તપાસ
તેમણે ઉમેર્યું હતું કે છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ત્રણ વોટ્સએપ નંબર, 20 બેંક એકાઉન્ટ અને નકલી ટ્રેડિંગ પોર્ટલ URLઅંગે ટેકનિકલ તપાસ ચાલી રહી છે. સાયબર સેલ ટીમ સંબંધિત બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા, IP એડ્રેસ ટ્રેક કરવા અને આરોપીઓને પકડવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.