Sun Jul 12 2026

Logo

વિયેતનામમાં 15 ભારતીયોના મોત બાદ પોલીસ એક્શનમાં, બોટ કેપ્ટનની ધરપકડ

Hanoi   2026-07-12 19:22:44
Author: Chandrakant Kanoja
Article Image

હનોઈ : વિયેતનામના પ્રખ્યાત પ્રવાસી સ્થળ 'ફૂ કુઓક' ટાપુ પર શનિવારે ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક ટુરિસ્ટ બોટ સમુદ્રમાં પલટી હતી. આ ભયાનક અકસ્માતમાં 15 ભારતીય પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જેની બાદ પોલીસ એક્શનમાં આવી છે. તેમજ સ્પીડ બોટના કેપ્ટનની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 

મૃતદેહોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા ઝડપી કરાઇ 

આ ઉપરાંત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે મૃતકોના મૃતદેહોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. જ્યારે એક ઘાયલ વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી 

ઉલ્લેખનીય છે કે, શનિવારે વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક સર્જાયેલી દુર્ઘટના બાદ 57 વર્ષીય સ્પીડબોટ કેપ્ટન ન્ગ્યુએન હોંગ હૈને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પર પાણીમાં સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. પોલીસ હાલમાં અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. 

16 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા

આ  સ્પીડ બોટમાં 32 ભારતીય પ્રવાસીઓ અને ચાર ક્રૂ સભ્યો હતા. આ બોટ   કિનારાથી માત્ર 400 મીટર દૂર  અચાનક પલટી ગઈ હતી. જેના પરિણામે 15 ભારતીયોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. જોકે, 16 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને જરૂરી સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દરમિયાન, એક ઘાયલ પ્રવાસીની હાલત ગંભીર છે અને તે વિયેતનામના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.