Sun Jul 12 2026

Logo

શેલ કંપનીઓ દ્વારા રૂ.116 કરોડની છેતરપિંડીના કેસમાં સુરતમાંથી સાત પકડાયા

2026-07-12 20:12:25
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા શેલ કંપનીઓ અને બેંક ખાતાઓ દ્વારા રૂ. 116 કરોડથી વધુની છેતરપિંડી કરવાના આરોપ હેઠળ એક સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સુરતના સાત રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

એજન્સીએ જણાવ્યું હતું કે આરોપીઓએ બોગસ કંપનીઓ બનાવી હતી અને અનેક બેંકોમાં 18 બેંક ખાતા ખોલ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ 21 રાજ્યોમાં નોંધાયેલા ઓછામાં ઓછા 146 સાયબર છેતરપિંડીના કેસોમાં થયો હોવાનો આરોપ છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અને અન્ય પ્લેટફોર્મ પરની તપાસમાં આ ખાતાઓને 116 કરોડ રૂપિયાથી વધુની ફરિયાદો અને એકનોલેજમેન્ટ સાથે જોડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાંથી 14 એક્નોલેજમેન્ટ ગુજરાતમાં હતી.

એજન્સીના જણાવ્યા અનુસાર, આ રેકેટ સુરતના મોટા વરાછા અને જહાંગીરપુરા વિસ્તારની ઓફિસોમાંથી ચાલતું હતું અને તેનું સંચાલન ત્રણ ભાગીદાર દ્વારા કરવામાં આવતું હતું. આ લોકો પર સાયબર ગુનેગારોને ઉપયોગમાં લેવા માટે તૈયાર ખાતાઓ પૂરા પાડતા પહેલા તે ખાતાઓ સાથે જોડાયેલા સિમ કાર્ડ સાથે બેંક એકાઉન્ટ કીટ મેળવવાનો આરોપ છે.

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે પીડિતો દ્વારા ટ્રાન્સફર કરાયેલા પૈસા ઉપાડતા પહેલા અનેક બેંક ખાતાઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને પછી અલગ અલગ ચેનલો દ્વારા પૈસા છુપાવવા માટે મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કથિત રીતે પૂરા પાડવામાં આવેલા દરેક એકાઉન્ટ માટે કમિશન મળતુ હોય છે. 

આ કાર્યવાહી દરમિયાન, સાયબર ટીમે 13 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.  તેઓ હવે અન્ય હેન્ડલર્સ, લાભાર્થીઓ અને નેટવર્ક સાથે જોડાયેલા સંભવિત વિદેશી લિંક્સને શોધવા માટે બેંક વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ કરી રહ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.