Sun Jul 12 2026

Logo

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની જામનગર મુલાકાત; ખેડૂત હાટ અને વેદ ગર્ભવિહારનું લોકાર્પણ

2026-07-12 21:18:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
જામનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગર જિલ્લાના પ્રવાસે હતા અને આ દરમિયાન લાખાબાવળ ગામે વેદ ગર્ભવિહારનુ લોકાર્પણ કર્યું હતું. તે ઉપરાંત તેમણે જામનગરમાં સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ કૃષિ વેચાણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર - ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિ-મુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત તેમજ અન્ય ગ્રંથોમાં સમાયેલ જ્ઞાન આજે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રાસંગિક અને માર્ગદર્શક છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના ઋષિ-મુનિઓએ હજારો વર્ષો પહેલાં માનવજીવનને સુખી, સંસ્કારી અને સંતુલિત બનાવવા માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત જીવનપદ્ધતિ વિકસાવી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર ભૌતિક વિકાસ જ પૂરતો નથી, પરંતુ સારા સંસ્કારો ધરાવતા, ચારિત્ર્યવાન અને જવાબદાર માનવનું નિર્માણ એ જ સાચો વિકાસ છે તેમ જણાવ્યું હતું.