Sat Aug 29 2026

Logo

લૉર્ડ્સમાં ભારતીય મહિલાઓ ઇતિહાસ સર્જવાની તૈયારીમાં

London   2026-07-12 22:31:04
Author: Ajay Motiwala
લૉર્ડ્સમાં ભારતીય મહિલાઓ ઇતિહાસ સર્જવાની તૈયારીમાં

લંડનઃ ક્રિકેટના મક્કા લૉર્ડસ (Lord's)માં પહેલી જ વખત મહિલાઓની ટેસ્ટ મૅચ રમાઈ અને એમાં ભારતીય મહિલા ટીમ નવો ઇતિહાસ રચવાની તૈયારીમાં હતી, કારણકે ભારતે આપેલા 457 રનના તોતિંગ લક્ષ્યાંક સામે યજમાન ઇંગ્લૅન્ડ (England)ની ટીમ 27 ઓવરમાં માત્ર 96 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. પાંચમાંથી બે વિકેટ ક્રાંતિ ગૌડ, બે વિકેટ સાયલી સતઘરેએ અને એક વિકેટ સ્નેહ રાણાએ લીધી હતી.

એ પહેલાં, બીજા દાવમાં હરમનપ્રીત કૌરની ટીમે બીજો દાવ 7/341ના સ્કોર પર ડિક્લેર કરીને ઇંગ્લૅન્ડને જીતવા 457 રન બનાવવાનો પડકાર ફેંક્યો હતો.

ભારતના 7/341ના સ્કોરમાં યસ્તિકા ભાટિયાના 113 રન, સ્મૃતિ મંધાનાના 70 રન અને રિચા ઘોષના 50 રન સામેલ હતા. યસ્તિકા લૉર્ડસમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. મંધાનાએ બન્ને દાવમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.

ખરેખર તો ભારતીય ટીમે ચાર દિવસની આ મૅચમાં પ્રથમ દિવસથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. લૉર્ડસમાં પુરુષોની સૌપ્રથમ ટેસ્ટ 1884માં (142 વર્ષ પહેલાં) રમાઈ હતી જેમાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને એક દાવ અને પાંચ રનથી હરાવ્યું હતું.